Loading Please Wait !!!
ગુજરાતમાં સટ્ટાની રકમને ‘મ્યુલ એકાઉન્ટ’માં ફેરવવાનું નેટવર્ક; EDના દેશભરમાં દરોડા !

  • સટ્ટા બેટિંગની મની નેટવર્ક પર EDની સર્જિકલ સ્ટ્રાઈક; 20 ઠેકાણે સર્ચ
  • દરોડામાં ઓનલાઈન મેચ સટ્ટાથી હવાલા સુધીનું નેટવર્ક ખુલશે ?

સિટી ન્યૂઝ@નવી દિલ્હી

ઓનલાઈન મેચ સટ્ટાબેટિંગના નાણાકીય નેટવર્ક અને કરોડોના હવાલા સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરટ (ED)ની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. ગુજરાત સહિત રાજ્યભરમાં ૨૦ જગ્યાએ EDની ટીમે દરોડા પાડીને તપાસ શરૂ કરી છે. સટ્ટાની રકમને બેન્કિંગ સિસ્ટમ મારફતે ફેરવવાના નેટવર્ક એટલે મ્યુલ એકાઉન્ટની કારીગરી પર તપાસ ચાલી રહી છે. ઓનલાઈન મેચ સટ્ટા માટે ઉપયોગમાં લેવાતા પ્લેટફોર્મ અને તેની સાથે જોડાયેલા હવાલા અને મની-લોન્ડરિંગની તપાસના ભાગરૂપે EDએ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. તપાસનો મુખ્ય ફોકસ માત્ર સટ્ટો રમાડતા અથવા રમાતા લોકો પૂરતો

મર્યાદિત નથી, સટ્ટાની રકમની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતા બેન્ક એકાઉન્ટ, મ્યુલ એકાઉન્ટ, મર્ચન્ટ એકાઉન્ટ, પેમેન્ટ ગેટવે અને નાણાંને એક ખાતામાંથી બીજા ખાતામાં ખસેડતા નેટવર્ક સુધી વિસ્તર્યો હોવાનું જણાયું છે. દુનિયાના કોઈ પણ ખૂણે કોઈ પણ મેચ રમાતી હોય તેના પર ગુજરાતમાં ચોક્કસ સટ્ટો રમાતો જ હોય છે. આ સટ્ટાની હારજીતના નાણાંના હવાલા પાડવામાં આવતા હોય છે. હવે ચોક્કસ તત્વો દ્વારા આ રૂપિયાના મ્યુલ એકાઉન્ટ દ્વારા મલ્ટીટ્રાન્ઝેકશન કરાવીને યુએસડી અથવા તો ક્રિપ્ટોમાં કન્વર્ટ કરીને વિદેશમાં બેઠેલા માફિયાઓના ખાતામાં ટ્રાન્સફર કરી દેવાતા હોય છે. ઓનલાઈન મેચ સટ્ટામાં ગ્રાહકો પાસેથી મળતી રકમ સીધી સટ્ટાબેટિંગ પ્લેટફોર્મના ખાતામાં

જવાને બદલે વિવિધ મ્યુલ અને મર્ચન્ટ એકાઉન્ટમાં જમા કરવામાં આવતી હોવાની આશંકા છે, ત્યારબાદ આ રકમને અનેક ખાતાઓ અને પેમેન્ટ ચેનલ મારફતે ફેરવીને તેની કડી ગમે નહિ તેવા પ્રયાસ કરવામાં આતા હોય છે. EDની તપાસમાં સટ્ટાની રકમને કેસ મેનેજમેન્ટ સિસ્ટમ અને ડોમેસ્ટીક મની ટ્રાન્સફર જેવા માધ્યમો મારફતે વિવિધ એકાઉન્ટમાં ફેરવવામાં આવી હોવાની વિગતો ખૂલી છે. જેની તપાસ કરવામાં આવી રહી છે.
 
ઈડી હવે આવા ખાતાઓની KYCની વિગતો, બેન્ક સ્ટેટમેન્ટ, UPI વ્યવહારો, મોબાઈલ નંબર, ડિજિટલ ડિવાઈસ તથા અન્ય નાણાકીય દસ્તાવેજોની તપાસ કરી રહી છે. આ નેટવર્કની બીજી કડી તરીકે હવાલા અને ક્રિપ્ટોકરન્સી મારફતે નાણાંની હેરાફેરી હોવાના આરોપો પણ તપાસ હેઠળ હોવાનું જાણવા મળે છે.
 
ED દ્વારા રોકડ, બેન્ક બેલેન્સ, ડિજિટલ ડિવાઈસ તથા અન્ય સંપત્તિઓ અંગે કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાયું છે. નવી કાર્યવાહી બાદ તપાસનો વ્યાપ વધુ વિસ્તરવાની શક્યતા છે. ખાસ કરીને મ્યુલ એકાઉન્ટ તરીકે ઉપયોગમાં લેવાયેલા ખાતાઓની સાંકળમાં ઉપરથી નીચે સુધી જોડાયેલા લોકોની ભૂમિકા તપાસવામાં આવશે, એક ખાતામાં સટ્ટાની રકમ આવ્યા બાદ તે કયા ખાતામાં ગઈ, ત્યારબાદ કયા પેમેન્ટ ગેટવે અથવા એજન્ટ મારફતે આગળ ખસેડાઈ અને અંતે રકમ રોકડ, હવાલા કે ક્રિપ્ટો મારફતે ક્યાં પહોંચી-આ સમગ્ર મની ટ્રેલ હવે તપાસનું કેન્દ્ર બની શકે છે.