જર્મનીના બોખુમ શહેરમાં રહેણાક ઇમારતમાં ભીષણ આગ. આગ દુર્ઘટનામાં ત્રણ ભારતીય વિદ્યાર્થીઓનાં મોત.
-
હત્યાની આશંકાએ રોમાનિયન નાગરિકની ધરપકડ કરાઈ.
-
અન્ય પાંચ લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ.
-
ભારતીય દૂતાવાસે પરિવારોને મદદની ખાતરી આપી.
સિટી ન્યુઝ @ બોખુમ (જર્મની)
જર્મનીના નોર્થ રાઇન-વેસ્ટફેલિયા રાજ્યના બોખુમ શહેરમાં એક રહેણાક ઇમારતમાં ભીષણ આગ લાગવાની દુર્ઘટનામાં ઉચ્ચ અભ્યાસ માટે ગયેલા ત્રણ ભારતીય વિદ્યાર્થીઓનાં કરુણ મોત નીપજ્યા છે. મૃતકોમાં ૨૫ અને ૨૭ વર્ષની બે યુવતીઓ તેમજ ૨૬ વર્ષના એક યુવકનો સમાવેશ થાય છે. અગ્નિશમન દળની ટીમ દ્વારા ઇમારતમાં રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન બીજા માળે આવેલા એક મકાનમાંથી આ ત્રણેયના મૃતદેહ મળી આવ્યા હતા.
આ ભયાનક દુર્ઘટનામાં આગ અને ધુમાડાને કારણે અન્ય પાંચ જેટલા લોકોને શ્વાસ લેવામાં તકલીફ સર્જાતા તેમને તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને જર્મન પોલીસે હત્યાની આશંકા વ્યક્ત કરી છે અને આ માەલે ૪૧ વર્ષના એક રોમાનિયન નાગરિકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આ દુર્ઘટના અંગે માહિતી આપતા બર્લિન સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે તેઓ અને ફ્રેન્કફર્ટ સ્થિત વાણિજ્ય દૂતાવાસ સ્થાનિક અધિકારીઓ તેમજ મૃતકોના પરિવારોના સતત સંપર્કમાં છે અને શોકગ્રસ્ત પરિવારજનોને તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. વિદેશમાં બનેલી આ ઘટનાથી ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ફરી એકવાર ગંભીર ચિંતાઓ ઊભી થઈ છે.
સુરક્ષા પર સવાલો, જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની કરુણ વિદાય!
જર્મનીના બોખુમ શહેરમાં એક રહેણાક ઇમારતમાં લાગેલી આગમાં અભ્યાસ માટે ગયેલા ત્રણ ભારતીય વિદ્યાર્થીઓનાં મોત નીપજ્યાં છે. પોલીસે હત્યાની આશંકાએ એક રોમાનિયન નાગરિકની ધરપકડ કરી છે, જ્યારે ભારતીય દૂતાવાસ દ્વારા પરિવારોને સહાય પૂરી પાડવામાં આવી રહી છે.