ઇરાને સ્ટારલિંક સેવા સામે કડક વલણ અપનાવ્યું. સ્ટારલિંકનો ઉપયોગ કરવા પર બે વર્ષ જેલ.
-
ટર્મિનલની આયાત કે વિતરણ પર પાંચ વર્ષ સજા.
-
રાષ્ટ્રીય સુરક્ષાના મામલામાં મૃત્યુદંડની પણ જોગવાઈ.
-
ઇરાન પાસે સ્ટારલિંક જોડાણ કાપવાની ક્ષમતા છે.
સિટી ન્યુઝ @ તેહરાન
ઇરાને એલન મસ્કની કંપની સ્પેસએક્સની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા 'સ્ટારલિંક' સામે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. ઇરાન સરકાર સ્ટારલિંકને માત્ર ઇન્ટરનેટ સેવા નહીં પરંતુ 'યુદ્ધનાં હથિયાર' તરીકે જોતી હોવાથી દેશમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સેવાના ઉપયોગ બદલ બે વર્ષ સુધીની જેલ જ્યારે તેના ટર્મિનલની આયાત કે વિતરણ કરવા પર પાંચ વર્ષ સુધીની સજાની કડક જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા ગંભીર મામલાઓમાં મૃત્યુદંડની સજા પણ થઈ શકે છે.
ઇરાનની સુપ્રીમ નેશનલ સાઇબર સ્પેસ કાઉન્સિલના સચિવ મોહમ્મદ અમીન આગામિરીએ દાવો કર્યો છે કે દેશ પાસે સ્ટારલિંકનાં ટર્મિનલનું જોડાણ કાપવા માટેની અનેક વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે, જેનો ઉપયોગ અગાઉ વિરોધ પ્રદર્શનો દરમિયાન પણ કરવામાં આવ્યો હતો. ઇરાન સરકારનું માનવું છે કે સરકારી પ્રતિબંધો વચ્ચે આ સેવા દ્વારા નાગરિકો વિડીયો અને વિરોધની માહિતી બહાર મોકલી શકે છે, જે આંતરિક સુરક્ષા માટે મોટો પડકાર છે. અગાઉ યુક્રેન યુદ્ધમાં પણ સૈન્ય સંચાર માટે સ્ટારલિંકની ભૂમિકા મહત્વપૂર્ણ રહી હોવાથી આ ટેક્નોલોજી વૈશ્વિક સ્તરે ચર્ચાના કેન્દ્રમાં રહી છે.
ઇન્ટરનેટ છે કે યુદ્ધનું હથિયાર, ઇરાનનો અનોખો કાયદો!
ઇરાને એલન મસ્કની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા સ્ટારલિંકને યુદ્ધનું હથિયાર ગણાવીને તેના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. દેશમાં સ્ટારલિંક વાપરનારને બે વર્ષ અને ટર્મિનલની આયાત કરનારને પાંચ વર્ષ સુધીની જેલની સજા થશે, જ્યારે ગંભીર સુરક્ષા મામલે મૃત્યુદંડ પણ ફટકારી શકાય છે.