ગૂગલે નવું એઆઈ મોડલ જેમિની 4 લોન્ચ કર્યું. કોડિંગ અને સાયબર સુરક્ષા ક્ષેત્રે ઉપયોગી બનશે.
-
ક્રોમિયમના કોડમાં ફેરફાર કરવાનું કામ ઝડપી બન્યું.
-
મહિનાઓનું કામ માત્ર અઠવાડિયામાં જ પૂર્ણ થયું.
-
દુનિયાની મોટી કંપનીઓ આ મોડલ વાપરી રહી છે.
સિટી ન્યુઝ @ કેલિફોર્નિયા
ગૂગલે પોતાનું અત્યાધુનિક અને શક્તિશાળી એઆઈ મોડલ 'જેમિની 4' સત્તાવાર રીતે લોન્ચ કરી દીધું છે. કોડિંગ, ફાઇનાન્સ, કાયદાકીય વિશ્લેષણ, સાયબર સુરક્ષા અને વૈજ્ઞાનિક સંશોધન જેવા જટિલ ક્ષેત્રોમાં ઉપયોગમાં લઈ શકાતું આ મોડલ મોટા સોફ્ટવેર પ્રોજેક્ટ્સમાં ફેરફાર કરવા અને મુશ્કેલ સમસ્યાઓ ઉકેલવા માટે સક્ષમ છે. કંપનીના જણાવ્યા અનુસાર, એન્ટીગ્રેવિટી પ્લેટફોર્મ પર આ મોડલનો ઉપયોગ કરતી ટીમોમાં એઆઈ એજન્ટ દ્વારા કોડ સબમિશનમાં ૩૫ ટકાથી વધુનો વધારો થયો છે.
ગૂગલે પોતાના લોકપ્રિય ક્રોમ બ્રાઉઝરના 'ક્રોમિયમ' કોડબેઝમાં ફેરફાર કરવા માટે પણ આ મોડેલનો સફળ ઉપયોગ કર્યો હતો. આશરે ચાર કરોડ લાઇનના કોડબેઝમાંથી જૂના કોડની ૬૦ લાખ લાઇનને અલગ કરવાની જટિલ પ્રક્રિયામાં આ એઆઈ મોડલે અદ્ભુત કામગીરી કરી હતી. સેંકડો ફાઇલોમાં ફેરફાર કરવાનું જે કામ કરતા મહિનાઓ લાગી શકે તેમ હતું, તે કામ આ મોડલે માત્ર અઠવાડિયામાં જ પૂર્ણ કરી બતાવ્યું હતું. હાલમાં ડેલોઈટ, એમ્બિયન્સ હેલ્થકેર અને લેક્સિનેક્સિ જેવી દિગ્ગજ કંપનીઓ પણ આ મોડલનો ઉપયોગ કરી રહી છે.
ક્રોમિયમ એ ગૂગલ દ્વારા તૈયાર કરાયેલું ઓપન-સોર્સ વેબ બ્રાઉઝર પ્લેટફોર્મ છે, જેના પાયા પર માઈક્રોસોફ્ટ એડ્જ અને ઓપેરા જેવા લોકપ્રિય બ્રાઉઝર પણ બનાવવામાં આવ્યા છે. ગૂગલે તેમાં ઓટોમેટિક અપડેટ્સ અને સિક્યોરિટી જેવા ફીચર્સ જોડીને ગૂગલ ક્રોમ વિકસાવ્યું છે.
કોડિંગની દુનિયામાં ભૂકંપ, એઆઈ કરશે મોટા પ્રોજેક્ટ્સ હેન્ડલ!
ગૂગલે અત્યાધુનિક જેમિની 4 એઆઈ મોડલ લોન્ચ કર્યું છે, જે કોડિંગ અને સાયબર સુરક્ષા જેવા જટિલ ક્ષેત્રોમાં સક્ષમ છે. આ મોડલે ક્રોમિયમના લાખો લાઇનના કોડમાં ફેરફાર કરવાનું મહિનાઓનું કામ માત્ર અઠવાડિયામાં જ પૂરું કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે.