જબલપુર ક્રુઝ દુર્ઘટનામાં કોઈએ પત્ની ગુમાવી કોઈએ આખો પરિવાર
સિટી ન્યૂઝ@જબલપુર : ગુરુવારે જબલપુરના બરગી ડેમમાં થયેલા ક્રુઝ દર્ઘટનામાં 9 લોકોના મોત થયા, જ્યારે 4 હજુ પણ ગુમ છે. કેટલાક પરિવારો પોતાના સ્વજનોની શોધમાં છે, કેટલાક પાસે ફક્ત યાદો અને આઘાત છે. બચેલા લોકો તેને ચમત્કાર માની રહ્યા છે, પણ તેમની વાતોમાં તે સાંજનો ભય સ્પષ્ટ છે. અમે આઠ લોકો ક્રુઝ પર સવાર હતા. તેમાં કુલ 45- 50 લોકો હતા, જેમાં મહિલાઓ અને બાળકો વધુ હતા. શરૂઆતમાં હવામાન સામાન્ય હતું, પરંતુ પાછા ફરતી વખતે અચાનક વાવાઝોડું આવ્યું. પહેલા હલચલ થઈ, પછી ભારે મોજાં ઉછળ્યાં. થોડી જ મિનિટોમાં પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ અને ક્રુઝ હિચકા ખાવા લાગ્યું.
ઉપર બેઠેલા લોકોને નીચે લાવવામાં આવ્યા. ત્યાં ત્રણ-ચાર કર્મચારીઓ હતા, પરંતુ કોઈએ મદદ ન કરી. પરિસ્થિતિ બગડતાં અમે જાતે જ લાઇફ જેકેટ કાઢ્યા અને લોકોને પહેરાવ્યા. જો આમ ન કર્યું હોત તો કદાચ કોઈ બચત નહીં. બાળકોને એક પછી એક જેકેટ પહેરાવ્યા. આ દરમિયાન ક્રુઝમાં પાણી ભરાવા લાગ્યું.
પાણીમાં પડતાં જ મેં પૂરી તાકાતથી ઉપર આવવાનો પ્રયાસ કર્યો. માથા અને હાથથી જોર લગાવીને બહાર નીકળ્યો. હું, મારી પત્ની અને એક 11 વર્ષનો બાળક બહાર આવી ગયા, પરંતુ ચારે તરફ અફરાતફરી હતી. અમે મદદ માટે બૂમો પાડતા રહ્યા, પરંતુ લાઇફ બોટ મોડી આવી. જો તે અડધો કલાક વહેલી પહોંચી હોત, તો ઘણા વધુ જીવ બચી શક્યા હોત. દુર્ઘટના પછી અમે સાડા ત્રણ કલાક સુધી નાના દીકરાને શોધતા રહ્યા. તેણે લાઇફ જેકેટ પહેર્યું ન હતું. આખરે તે સુરક્ષિત મળ્યો. સાચું કહું તો, હું મોતને સામેથી જોઈને પાછો ફર્યો છું.
મધ્યપ્રદેશના બરગી ડેમમાં સર્જાયેલી ક્રુઝ દુર્ઘટનામાં ડૂબી ગયેલા માતા અને પુત્ર એક જ લાઈફ જેકેટમાં મળી આવ્યા હતા. આ દ્દશ્ય ત્યાં ઉપસ્થિત દરેક વ્યકિતના કાળજાને કંપાવી દીધુ હતું. તસવીર બતાવે છે કે અંતિમ ઘડી જોઈને માએ તેના દીકરાને છાતી સરસો ચાંપી દીધો હતો. કદાચ તેને આશા હતી કે લાઈફ જેકેટ તેની લાઈફ બચાવી લેશે પરંતુ આશ અને શ્વાસની દોરી તૂટી ગઈ, પણ માતાએ બાળકનો હાથ અને સાથ નહોતો છોડયો.