મેલબોર્ન એરપોર્ટ પર ગુજરાતી યુવક તમાકુના જથ્થા સાથે ઝડપાયો
- નાસ્તાના પેકેટમાં છુપાવી હતી તમાકુ; સ્નિફર ડોગની મદદથી પકડાઈ ચોરી.
- મિત્ર માટે ઈન્ડિયાથી લાવ્યો હતો તમાકુ; ખોટું ડિક્લેરેશન આપતા મામલો ગંભીર બન્યો.
- સીલબંધ સ્નેક્સના પેકેટમાં ભરી હતી તમાકુ; ઓફિસર્સ સામે ભૂલની કરી કબૂલાત.
સિટી ન્યુઝ @ સિડની : ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન એરપોર્ટ પર ઈન્ડિયાથી આવેલી ફ્લાઈટના એક ગુજરાતી પેસેન્જરના સામાનમાંથી તમાકુનો જંગી જથ્થો મળી આવતા ચકચાર મચી ગઈ છે. આશરે 22-25 વર્ષના આ યુવકની બેગ સ્નિફર ડોગ દ્વારા સૂંઘ્યા બાદ શંકાસ્પદ જણાતા ઓફિસર્સે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સીલબંધ નાસ્તાના પેકેટની અંદરથી તમાકુની આખી થેલીઓ મળી આવી હતી. આ સમગ્ર ઘટનાનો 20 મિનિટનો વીડિયો હાલ યૂટ્યૂબ પર વાયરલ થયો છે.
એરપોર્ટ અધિકારીઓએ જ્યારે યુવકના સામાનની તલાશી લીધી, ત્યારે સ્નેક્સના પેકેટ્સમાં કંઈક બીજું જ ભરેલું હોવાનો અણસાર આવ્યો હતો. પેકેટ્સ ખોલતા જ તેમાંથી ખાસ્સી માત્રામાં તમાકુ મળી આવી હતી. શરૂઆતમાં યુવકે ગલ્લાતલ્લા કર્યા બાદ કબૂલ્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં રહેતા તેના મિત્રએ ઈન્ડિયાથી આ તમાકુ મગાવી હતી. પોતાની ચોરી પકડાઈ જતાં યુવકે સોરી કહીને પોતાની ભૂલ સ્વીકારી હતી.
ઓસ્ટ્રેલિયાના કાયદા મુજબ લૂઝ ટોબેકો રિસ્ટ્રિક્ટેડ આઈટમ્સના લિસ્ટમાં આવે છે. જો કોઈ પેસેન્જરના સામાનમાંથી આવી વસ્તુ મળી આવે તો તેણે દંડ ભરવો પડે છે. આ કિસ્સામાં પેસેન્જરે તમાકુ હોવા છતાં ખોટું ડિક્લેરેશન આપ્યું હતું અને નાસ્તાના પેકેટમાં છુપાવીને લાવવાનો પ્રયાસ કર્યો હતો, જે સ્મગ્લિંગના ગુના સમાન ગણાય છે. તમાકુનો જથ્થો વધારે હોવાથી મામલો ઘણો ગંભીર બની ગયો હતો.
એરપોર્ટ ઓફિસરના જણાવ્યા અનુસાર, પેસેન્જરે સામાન પોતે પેક કર્યો હોવાનું કબૂલ્યા બાદ પણ પ્રતિબંધિત વસ્તુની જાણકારી છુપાવી હતી. નાસ્તાના પેકેટ્સને સાવધાનીપૂર્વક ખોલીને તેની અંદર તમાકુ ભરી ફરીથી સીલ કરવામાં આવ્યા હતા જેથી કોઈને શંકા ન જાય. જોકે, એરપોર્ટના સતર્ક સુરક્ષા જવાનો અને તાલીમબદ્ધ શ્વાનની મદદથી આ કરતૂત પકડાઈ ગઈ હતી.
વિદેશ જતા ગુજરાતીઓ અવારનવાર નાસ્તાની સાથે માવા-મસાલા અને તમાકુ જેવી ચીજો લઈ જવાનો પ્રયત્ન કરતા હોય છે. પરંતુ આ ઘટના અન્ય પ્રવાસીઓ માટે લાલબત્તી સમાન છે કે વિદેશી કાયદાઓનું ઉલ્લંઘન કરવા બદલ ભારે દંડ અથવા જેલની સજા પણ થઈ શકે છે. મેલબોર્ન એરપોર્ટ પર પકડાયેલા આ યુવકને હવે આ ગંભીર ભૂલ બદલ કાયદેસરના દંડની કાર્યવાહીનો સામનો કરવો પડશે.