ઉપલેટાના મેરવદરમાં નિદ્રાધીન પ્રૌઢ પર ચાર શખ્સોનો હુમલો
સિટી ન્યૂઝ@રાજકોટ : ઉપલેટા તાલુકાના મેરવદર ગામે વાહન સામસામે આવી જવાના પ્રશ્ને પુત્ર સાથે થયેલી બોલાચાલીનો ખાર રાખી રાત્રે વાડામાં સૂતેલા પ્રૌઢ પર 4 શખ્સોએ લાકડી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં પ્રૌઢનો પગ ભાંગી જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે ભાયાવદર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ ફરિયાદ મુજબ, મેરવદર ગામે રહેતા અને પશુપાલન કરતા ઉકાભાઈ હમીરભાઈ બઢ (ઉ.વ. 50) ગત તારીખ 2 ના રોજ સાંજે મેરવદર-પ્રાંસલા રોડ પર આવેલા પોતાના વાડે સૂવા ગયા હતા. રાત્રે આશરે 11:30 વાગ્યે તેઓ ઊંઘતા હતા ત્યારે આરોપીઓ ત્યાં આવ્યા હતા અને ગાળો ભાંડી હતી. દલો વાંદા કહેવા લાગ્યો કે, "2 દિવસ પહેલા તારા દીકરા હાર્દિકે કેમ મારી સાથે માથાકૂટ કરી હતી?"
તેમ કહી દલા વાંદાએ પોતાના હાથમાં રહેલી લાકડી પ્રૌઢના પગે ઢીંચણ પાસે મારી હતી અને કાસા વાંદાએ કમરના પાછળના ભાગે તથા સાથળમાં લાકડી ફટકારી હતી. અન્ય આરોપીઓ રામા રાણા વાંદા અને વિવેક રાણા વાંદા સહિત તમામે પ્રૌઢને ઢીકાપાટુનો માર માર્યો હતો. હુમલો કર્યા બાદ આરોપીઓ બહાર રોડ પર પડેલી પોતાની કાર લઈને નાસી ગયા હતા.
હુમલા બાદ પ્રૌઢે પોતાના પુત્ર હાર્દિકને ફોન કરી જાણ કરતા તેમને સારવાર માટે ઉપલેટાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 2 દિવસ પહેલા પુત્ર હાર્દિક અને દલા વાંદાનું વાહન સામસામે આવી જતા બોલાચાલી થઈ હતી, જેનું મનદુખ રાખીને આ હુમલો કરવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે. પોલીસે ચારેય આરોપીઓ (રહે. વડેખણ, ઉપલેટા) સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.