Loading Please Wait !!!
નાપાસ થનાર પણ સફળ થઈ શકે છે

  • પરિણામ પૂર્વે વિદ્યાર્થીઓને વાલી મહામંડળનો પ્રેરક સંદેશ
  • `જાન હૈ તો જહાન હૈ' ના મંત્ર સાથે નિષ્ફળતા પચાવવા વિદ્યાર્થીઓને અપીલ

સિટી ન્યૂઝ@રાજકોટ : સોમવારે ગુજરાત બોર્ડનું પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે, ત્યારે પરીક્ષાના પરિણામને લઈને તણાવ અનુભવતા વિદ્યાર્થીઓ માટે રાજકોટ શહેર જિલ્લા વાલી મહામંડળ દ્વારા 1 હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયક સંદેશ આપવામાં આવ્યો છે. વાલી મહામંડળના પ્રમુખ એડવોકેટ હિંમતભાઈ લાબડીયા, ઉપપ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલા, મહામંત્રી એડવોકેટ નયનભાઈ કોઠારી અને સહમંત્રી જીતુભાઈ લખતરીયાએ વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે નાપાસ થયા પછી પણ સફળ થઈ શકાય છે, શરત એટલી કે જીવતા રહેવું જોઈએ.

વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારતા આગેવાનોએ જણાવ્યું હતું કે, સચિન તેંડુલકર 10 માં ધોરણમાં નાપાસ થયા હતા અને આજે મહારાષ્ટ્ર બોર્ડમાં 10 માં ધોરણમાં તેમના પર જ 1 પાઠ ભણાવવામાં આવે છે. અમિતાભ બચ્ચન રેડિયોની પરીક્ષામાં ફેઈલ થયા હતા અને આજે આખી દુનિયા તેમના અવાજની દીવાની છે. પૂજ્ય મોરારીબાપુ 10 માં ધોરણમાં 3 વખત નાપાસ થયા હતા, પરંતુ આજે 3 વખત Ph.D. કરેલા લોકો પણ તેમને કલાકો સુધી પલાંઠી વાળીને સાંભળે છે. પ્રમુખસ્વામી મહારાજે માત્ર ધોરણ 6 સુધી અભ્યાસ કરેલો, છતાં તેમણે વિશ્વમાં હજારો મંદિરો, સ્કૂલો અને હોસ્પિટલોનું નિર્માણ કર્યું. મહાત્મા ગાંધી, આલ્બર્ટ આઈન્સ્ટાઈન, વિન્સ્ટન ચર્ચિલ, બિલ ગેટ્સ અને ધીરૂભાઈ અંબાણી જેવા મહાનુભાવો પણ નાપાસ થયા હતા અથવા ઓછા માર્ક્સ લાવ્યા હતા.

આગેવાનોએ ખાસ ભાર મૂકતા કહ્યું કે, હાલમાં ઉચ્ચ સ્થાને બિરાજતા ઘણા ઓફિસરો પણ નાપાસ થયા પછી સફળ થયા છે. ઉપરવાળાએ જિંદગી જીવવા માટે આપી છે, મરવા માટે નહીં. કદાચ ઓછા ટકા આવે કે નાપાસ થાઓ તો પણ આપઘાત કરવાનું સપનામાં પણ ન વિચારશો.

આપઘાતનો વિચાર આવે તો 9 મહિના ગર્ભમાં રાખનાર માતાને યાદ કરો

વાલી મહામંડળે વિદ્યાર્થીઓને ભાવુક અપીલ કરતા જણાવ્યું છે કે, જે વિદ્યાર્થીઓને આપઘાત કરવાનો વિચાર આવે તેમણે રસોડાના બારણાં પાછળ કામ કરતી પોતાની માતાના ચહેરા સામે ધારી-ધારીને જોવું. તેમણે વિચારવું કે 9 મહિના ઉદરમાં રાખી મોત સામે બાથ ભીડી જન્મ આપનાર માં મોટી છે કે પરિણામ? જો હું આત્મહત્યા કરીશ તો મારી માં પર શું વીતશે? સારા માર્ક્સથી મા-બાપને ગૌરવ થશે, પણ નાપાસ થવાથી તેમનું માથું શરમથી ઝૂકી જશે તેવો ભ્રમ કાઢી નાખજો. સમાજમાં શું આબરૂ રહેશે તેવી ખોટી બીકથી જ આપઘાત થતા હોય છે. પરિણામને સહર્ષ સ્વીકારી ઉજ્જવળ ભવિષ્ય માટે ફરી પ્રયત્ન કરો કારણ કે, જાન હૈ તો જહાન હૈ.