Loading Please Wait !!!
MLA ઉદય કાનગડે 3 રાજ્યોમાં ભાજપના વિજયને બિરદાવ્યો

  • ડબલ એન્જિન સરકારની વિકાસલક્ષી રાજનીતિ પર જનતાએ ફરી મહોર મારી
  • આ જીતને નરેન્દ્ર મોદી અને અમિત શાહના મજબૂત નેતૃત્વનું પરિણામ ગણાવ્યું

સિટી ન્યૂઝ@રાજકોટ : તાજેતરમાં પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પોંડિચેરીમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીના શાનદાર પ્રદર્શનને રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડે ઉમળકાભેર આવકાર્યું છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડિચેરીમાં મળેલા ભવ્ય અને ઐતિહાસિક વિજય બદલ તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ તેમજ પક્ષના રાષ્ટ્રીય નેતૃત્વને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.
ધારાસભ્ય ઉદય કાનગડે જણાવ્યું હતું કે, આ વિજય માટે ભાજપના સમર્પિત કાર્યકરો, નિષ્ઠાવાન સમર્થકો અને દેશના જાગૃત મતદાતાઓ વિશેષ અભિનંદનને પાત્ર છે. લોકોની મહેનત, વિશ્વાસ અને અવિરત પ્રયાસોથી જ આ ભવ્ય જીત શક્ય બની છે. આ પરિણામો ભારતીય જનતા પાર્ટીના મજબૂત સંગઠન, સકારાત્મક રાજકારણ અને વિકાસમુખી દ્રષ્ટિકોણનું જીવંત પ્રતિબિંબ છે. ભાજપે હંમેશા સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ ના મંત્રને આત્મસાત કરીને કાર્ય કર્યું છે, જેના કારણે દેશના દરેક ખૂણામાં પક્ષનું જનસમર્થન સતત વધી રહ્યું છે.કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, ગરીબ અને મધ્યમવર્ગના લોકોને સીધો લાભ આપતી યોજનાઓથી મતદાતાઓમાં વિશ્વાસ વધ્યો છે. લોકો હવે વિકાસ અને સુશાસનને પ્રાધાન્ય આપી રહ્યા છે. આરોગ્ય, શિક્ષણ, રસ્તાઓ અને ઉદ્યોગોના ક્ષેત્રમાં થયેલા સુધારાઓએ મતદારોના નિર્ણયને ભારે અસર કરી છે. ભારતીય જનતા પાર્ટીની "ડબલ એન્જિન સરકાર" ની વિચારધારા અસરકારક સાબિત થઈ છે અને કેન્દ્ર-રાજ્ય વચ્ચેના સંકલનથી વિકાસના નવા દ્વાર ખુલ્યા છે.

આ વિજય માત્ર ચૂંટણી જીત નહીં, જનવિશ્વાસનો મહાવિજય છે
ધારાસભ્ય ઉદય કાનગડે આ જીતને પક્ષની વિજય ગર્જના અને જનવિશ્વાસનો મહાવિજય ગણાવ્યો છે. તેમણે ઉમેર્યું કે આ વિજય માત્ર રાજકીય પરિણામ નથી, પરંતુ દેશના સામાન્ય નાગરિકોની આશા, વિશ્વાસ અને સશક્ત નેતૃત્વ પ્રત્યેની અડગ લાગણીઓનું પ્રતીક છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પાર્ટીના મજબૂત સંગઠન અને રાષ્ટ્રવાદી વિચારધારાના કારણે દેશની રાજકીય દિશા હવે વિકાસ, સ્થિરતા અને મજબૂત નેતૃત્વ તરફ આગળ વધી રહી છે.