રાજકોટમાં હીટવેવ વચ્ચે મચ્છરોનો આતંક
- 1 સપ્તાહમાં શરદી, તાવ અને ઝાડા-ઉલટીના 1886 કેસ નોંધાયા
- મનપા દ્વારા 44,111 ઘરોમાં પોરાનાશક કામગીરી, 314 આસામીઓને નોટિસ
- ડેન્ગ્યું 1,ચીકનગુનીયાનો 1, ટાઈફોડનો 1 અને કમળાના બે કેસ નોંધાયા : પાણીના 1058 કલોરીન ટેસ્ટ કરાયા
સિટી ન્યૂઝ@રાજકોટ : રાજકોટમાં 40 થી 44 ડિગ્રી તાપમાનથી બચવા ઘરમાં આરામ ફરમાવતા લોકોને હવે મચ્છર ડંખી રહ્યા છે અને સીધા સિવિલ હોસ્પિટલના બિછાને પહોંચાડી રહ્યા છે. એક તરફ કાળઝાળ ગરમી અને બીજી તરફ મચ્છરજન્ય રોગચાળાએ માથું ઊંચકતા આરોગ્ય કેન્દ્રો દર્દીઓથી હાઉસફુલ જોવા મળી રહ્યા છે. આરોગ્ય વિભાગના આંકડા મુજબ, ગત 27 એપ્રિલ 2026 થી 3 મે 2026 સુધીમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના કારણે શરદી-ઉધરસના 749 કેસ, તાવના 711 કેસ અને ઝાડા-ઉલટીના 423 કેસ નોંધાયા છે. જ્યારે ટાઈફોડનો 1 અને કમળાના 2 કેસ નોંધાયા છે. ગંભીર મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુનો 1 અને ચિકનગુનિયાનો 1 કેસ પણ સામે આવ્યો છે.
રોગચાળાને કાબૂમાં લેવા પાણીજન્ય રોગ અટકાયતી પગલાના ભાગરૂપે તંત્ર દ્વારા કુલ 1058 ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના સત્તાવાર ચોપડે અત્યાર સુધીમાં શરદી-ઉધરસના 14584, સામાન્ય તાવના 12373 અને ઝાડા-ઉલટીના 4239 કેસ નોંધાઈ ચૂક્યા છે. આ ઉપરાંત ટાઈફોડના 9 અને કમળાના 20 કેસ સામે આવ્યા છે. મચ્છરજન્ય રોગચાળાની વાત કરીએ તો અત્યાર સુધીમાં મલેરિયાના 2, ડેન્ગ્યુના 13 અને ચિકનગુનિયાનો 1 કેસ નોંધાયો છે.મનપાના આરોગ્ય તંત્ર દ્વારા રોગચાળાને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે.
વાહક નિયંત્રણની કામગીરી હેઠળ છેલ્લા એક સપ્તાહમાં 44111 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી છે તથા ફિલ્ડ વર્કરો દ્વારા 203 ઘરોમાં ફોગિંગની કામગીરી પણ સઘન રીતે કરવામાં આવી છે. 823 બાંધકામ સાઈટો તથા ધાર્મિક સ્થળોની ચકાસણી દરમિયાન મચ્છર ઉત્પત્તિ સબબ 280 રહેણાંક મકાનો અને 34 કોમર્શિયલ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે.
1 મહિના સુધી આચારસંહિતાના નામે મનપાએ આંકડા છુપાવ્યા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આચારસંહિતા અમલવારીના ઓઠા હેઠળ રાજકોટ મહાનગરપાલિકાના પી.આર.ઓ. વિભાગ દ્વારા 1 મહિના સુધી રોગચાળાના આંકડા છુપાવવામાં આવ્યા હતા. મનપાના રાકેશ શીલુએ સરકારી પરિપત્ર આવ્યો હોવાનું કહીને ફૂડ શાખા, ટેક્સ શાખા અને આવાસ શાખા સહિતના વિભાગોની કામગીરીની માહિતી છુપાવી હતી. જો કે, આવો કોઈ લેખિત પરિપત્ર ક્યાંય પણ નોટિસ બોર્ડ પર મારવામાં આવ્યો ન હતો. આ અંગે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ ઔપચારિક માહિતી આપી હોવાનું કહી વાત બંધ કરી દીધી હતી. શાસક પક્ષની મતપેટીને નુકસાન ન પહોંચે તે માટે પત્રકારોને માહિતીથી અવગત ન રખાયાના પ્રયાસો થયા હોવાની સ્ટાફમાં કાનફાડી નાખે તેવી ચર્ચાઓ થઈ રહી છે.