Loading Please Wait !!!
સ્વ. મધુબેન શુક્લની પ્રાર્થનાસભામાં અગ્રણીઓની ભાવભીની શ્રદ્ધાંજલિ

  • નૂતનનગર હોલ ખાતે યોજાયેલ સભામાં અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ
  • 100 થી વધુ રાજકીય-સામાજિક આગેવાનોએ શુક્લ પરિવારને સાંત્વના પાઠવી

સિટી ન્યૂઝ@રાજકોટ : રાજકોટમાં રાજ્યસભાના પૂર્વ સાંસદ અને ભાજપના પીઢ અગ્રણી સ્વ. ચીમનભાઈ શુક્લના ધર્મપત્ની સ્વ. મધુબેન શુક્લના અવસાન બાદ નૂતનનગર હોલ ખાતે 1 ભાવભીની પ્રાર્થનાસભા યોજાઈ હતી. આ સભામાં શુક્લ પરિવારના કૌશિકભાઈ, કશ્યપભાઈ, નેહલભાઈ અને કાશ્મીરાબેન નથવાણીને સાંત્વના આપવા મોટી સંખ્યામાં રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો ઉમટી પડ્યા હતા.

પ્રાર્થનાસભામાં વિવિધ પક્ષના દિગ્ગજ નેતાઓએ સ્વ. મધુબેનને શ્રદ્ધાંજલિ અર્પી હતી. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જનસંઘના સમયથી શુક્લ પરિવાર સાથેના જૂના નાતાને યાદ કર્યો હતો. પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ ચીમનભાઈની રાજકીય સફળતામાં મધુબેનના સિંહફાળાને બિરદાવ્યો હતો. સાંસદ પરસોતમભાઈ રૂપાલાએ પોતાની શરૂઆતની કારકિર્દીના દિવસોમાં મધુબેનના હાથના ભોજન જમ્યા હોવાની ભાવુક સ્મૃતિ તાજી કરી તેમને યાદ કર્યા હતા. આ ઉપરાંત પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરુદ્ધ દવેએ તેમને વાત્સલ્યની મૂર્તિ ગણાવ્યા હતા. રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજાએ જણાવ્યું કે મધુબેન વર્ષો સુધી તેમના પિતા મનોહરસિંહજી જાડેજાને રાખડી બાંધીને તંદુરસ્ત લોકશાહીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા હતા. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી રત્નાકર અને સાંસદ દેવુસિંહ ચૌહાણ સહિતના અનેક નેતાઓએ ટેલિફોનિક સાંત્વના પાઠવી હતી. પ્રાર્થનાસભામાં 100 થી વધુ ધારાસભ્યો, પૂર્વ મંત્રીઓ, કોર્પોરેટરો અને વિવિધ સંસ્થાઓના આગેવાનોએ હાજર રહીને દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

  • વર્ષો જૂનો શુક્લ પરિવાર સાથેનો નાતો અને સ્વ. મધુબેનનો આવકાર હંમેશા યાદ રહેશે : શંકરસિંહજી વાઘેલા
  • સ્વ. ચીમનભાઈ શુક્લની રાજકીય પ્રગતિમાં સ્વ. મધુબેનનો સિંહફાળો રહ્યો છે : વજુભાઈ વાળા 
  • વર્ષો પહેલા કોઈ સગવડતા ન હતી ત્યારે સ્વ.મધુકાકીના હાથના રોટલા ખાઈ જાહેર જીવન ક્ષેત્રે અનેક લોકો આગળ વધ્યા છે : પરસોતમભાઈ રૂપાલા
  • પ્રત્યેક સંતાનોની પ્રગતિમાં માતાનું યોગદાન મહત્વનું હોય છે, મધુકાકી વાત્સલ્યની મૂર્તિ હતા : અનિરુદ્ધ દવે
  • મધુબેન એ વર્ષો સુધી મનોહરસિંહજી જાડેજાને રાખડી બાંધી તંદુરસ્ત લોકશાહીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે : માંધાતાસિંહજી જાડેજા