સુરત મનપાની મુશ્કેલી વધી: નાસીરનગર કેસમાંથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી હટી ગયા
-
નાસીરનગરના અસરગ્રસ્તો અને સસ્પેન્ડેડ કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિની પિટિશનનો છે મામલો
-
રાજ્યના એડવોકેટ જનરલે કેસ છોડવાની જાણ કરતા પાલિકાને નવો કાનૂની પ્રતિનિધિ શોધવાની ફરજ પડી
-
અનુભવી અને વરિષ્ઠ ધારાશાસ્ત્રી ખસી જતાં હાઈકોર્ટમાં પાલિકાનો પક્ષ નબળો ન પડે તે માટે મથામણ શરૂ
સિટી ન્યુઝ @ સુરત
સુરતના અત્યંત બહુચર્ચિત નાસીરનગર ડિમોલિશન પ્રકરણમાં સુરત મહાનગરપાલિકા (SMC) માટે કાનૂની મોરચે એક મોટી અને નવી મુસીબત ઊભી થઈ છે. હાઈકોર્ટમાં મનપા વતી પક્ષ રજૂ કરી રહેલા રાજ્યના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ આ સંવેદનશીલ કેસમાંથી હટી જવાનો નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે, જેના કારણે પાલિકા વર્તુળોમાં હડકંપ મચી ગયો છે.
હાઈકોર્ટમાં ચાલી રહેલો આ કાનૂની જંગ બે મહત્વના મુદ્દાઓ પર કેન્દ્રિત છે. એક તરફ નાસીરનગરના અસરગ્રસ્તો દ્વારા કરાયેલી અરજી છે, તો બીજી તરફ પોતાના સસ્પેન્શનને પડકારતી મનપાના સસ્પેન્ડેડ કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિની પીટીશન છે. આ બંને જટિલ કેસમાં એડવોકેટ જનરલ જેવા અનુભવી અને વરિષ્ઠ ધારાશાસ્ત્રીએ અચાનક કેસ છોડવાની જાણ કરતા પાલિકા તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે અને હવે અચાનક નવા કાનૂની પ્રતિનિધિ શોધવાની ફરજ પડી છે.
ડિમોલિશનની આ સમગ્ર કાર્યવાહીને પગલે સુરત મહાનગરપાલિકા અદાલતમાં પહેલેથી જ ભારે દબાણ હેઠળ છે. અસરગ્રસ્ત પરિવારોના અધિકારો અને પોતાના જ ઉચ્ચ અધિકારીના સસ્પેન્શન સાથે સંકળાયેલા આ કેસોમાં હાઈકોર્ટમાં પાલિકાનો પક્ષ નબળો ન પડે તે માટે ત્વરિત મજબૂત કાનૂની વ્યવસ્થા ગોઠવવી અનિવાર્ય બની ગઈ છે.
આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે સુરતના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે રાજકુમાર બેનીવાલે તાજેતરમાં જ વિધિવત પદભાર સંભાળ્યો છે. ચાર્જ સંભાળતાની સાથે જ તેમની સમક્ષ આ કાનૂની વિવાદનો ઉકેલ લાવવાનો મોટો પડકાર આવી પડ્યો છે. કમિશનર બેનીવાલે પરિસ્થિતિની ગંભીરતા પારખીને ડેપ્યુટી કમિશનર નીધી સીવાચ, ધર્મેશ મિસ્ત્રી અને મનીષ ડોકટર સાથે તાકીદની બેઠક યોજીને સમગ્ર કાનૂની સ્થિતિની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. હવે આગામી સુનાવણીમાં મનપા કયા વરિષ્ઠ ધારાશાસ્ત્રીને મેદાનમાં ઉતારે છે તેના પર સૌની નજર ટકેલી છે.
નાસીરનગર કેસમાંથી એડવોકેટ જનરલ ખસ્યા
સુરતના નાસીરનગર ડિમોલિશન અને સસ્પેન્ડેડ ઇજનેર સુજલ પ્રજાપતિના કેસમાં હાઈકોર્ટમાં SMC વતી પક્ષ રજૂ કરતા એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કેસ છોડી દેતાં પાલિકા તંત્રમાં દોડધામ મચી છે. નવા મ્યુનિસિપલ કમિશનર રાજકુમાર બેનીવાલે ચાર્જ સંભાળતા જ ડેપ્યુટી કમિશનરો સાથે બેઠક યોજી કાનૂની સમીક્ષા કરી છે. મનપા હવે મજબૂત પક્ષ રજૂ કરવા નવા વકીલની શોધમાં છે.