સુરેન્દ્રનગર મનપાના નવા ડેપ્યુટી કમિશ્નર પારસ મકવાણાનું સમસ્ત દરજી સમાજ દ્વારા ભવ્ય સન્માન
-
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કચેરી ખાતે દરજી સમાજના અગ્રણીઓએ યોજ્યો સન્માન સમારોહ
-
શાલ, બુકે અને લક્ષ્મીનારાયણ ભગવાનની છબી અર્પણ કરી નવનિયુક્ત અધિકારીનું કરાયું સ્વાગત
-
મનપા વિસ્તારના નાગરિકોને તમામ જરૂરી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો આપ્યો કોલ
સિટી ન્યુઝ @ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના નવનિયુક્ત ડેપ્યુટી કમિશ્નર પારસભાઈ મકવાણાનું સમસ્ત દરજી સમાજ દ્વારા ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાની કચેરી ખાતે યોજાયેલા આ ગરિમાપૂર્ણ સમારોહમાં દરજી સમાજના વિવિધ સંગઠનોના હોદ્દેદારો, અગ્રણીઓ અને સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સમારોહ દરમિયાન ઉપસ્થિત આગેવાનો દ્વારા ડેપ્યુટી કમિશ્નર પારસભાઈ મકવાણાને શાલ ઓઢાડી, પુષ્પગુચ્છ અને લક્ષ્મીનારાયણ ભગવાનની સ્મૃતિચિહ્નરૂપ તસવીર અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ સમાજના આગેવાનોએ તેમને સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં નવી વહીવટી જવાબદારી સંભાળવા બદલ અંતઃકરણપૂર્વક અભિનંદન પાઠવી ઉજ્જવળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ સન્માન બદલ આભાર વ્યક્ત કરતાં ડેપ્યુટી કમિશ્નર પારસભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર મનપા વિસ્તારના તમામ નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી, સ્વચ્છતા, રોડ-રસ્તા અને સ્ટ્રીટ લાઈટ જેવી મૂળભૂત પ્રાથમિક સુવિધાઓ વિના અવરોધે પૂરી પાડવી તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા રહેશે. શહેરના સર્વાંગી વિકાસ અને લોકહિતના પ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે વહીવટી તંત્ર સદા કટિબદ્ધ રહેશે તેવી તેમણે ખાતરી આપી હતી.
ડેપ્યુટી કમિશ્નર પારસ મકવાણાનું સન્માન
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કચેરી ખાતે સમસ્ત દરજી સમાજ દ્વારા નવનિયુક્ત ડેપ્યુટી કમિશ્નર પારસભાઈ મકવાણાનું શાલ, બુકે અને લક્ષ્મીનારાયણ ભગવાનની તસવીર આપી સન્માન કરાયું હતું. આ તકે તેમણે મનપા વિસ્તારમાં લોકોને તમામ પ્રાથમિક અને પાયાની સુવિધાઓ સુનિશ્ચિત કરવાની ખાતરી આપી હતી.