Loading Please Wait !!!
મોરબીમાં સોનીની દુકાનમાં ખાતર પડ્યું: દીવાલમાં બાકોરું પાડી ₹17.24 લાખના દાગીનાની ચોરી

 

  • સરદાર રોડ પર આવેલી રાધા કૃષ્ણ જ્વેલર્સમાં મોડી રાત્રે પોણા ત્રણ વાગ્યા આસપાસ બની ઘટના

  • 24 ગ્રામ સોનું, 6 કિલોથી વધુ ચાંદીના દાગીના અને દોઢ કિલો ભંગારની ચોરી

  • વેપારી દીપકભાઈ માંડલિયાએ અજાણ્યા શખ્સો સામે એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાવી ફરિયાદ

સિટી ન્યુઝ @ મોરબી

મોરબી શહેરના ધમધમતા સરદાર રોડ પર આવેલી સોના-ચાંદીની દુકાનને તસ્કરોએ નિશાન બનાવીને મોટી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. તસ્કરોએ રાત્રિના સુમારે દુકાનની પાછળની દીવાલમાં બાકોરું પાડી અંદર પ્રવેશ કર્યો હતો અને સોના-ચાંદીના તૈયાર દાગીના તેમજ ચાંદીનો ભંગાર મળી કુલ ₹17.24 લાખનો કિંમતી મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ બનાવ અંગે જ્વેલર્સે મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોરો વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, જૂના બસ સ્ટેશન પાસે સરદાર રોડ પર ખારા કૂવાવાળી શેરીમાં રહેતા 45 વર્ષીય વેપારી દીપકભાઈ જયંતીભાઈ માંડલિયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, 5 સપ્ટેમ્બરના રોજ રાત્રે આશરે પોણા ત્રણ વાગ્યાની આસપાસ અજાણ્યા શખ્સો તેમની 'રાધા કૃષ્ણ જ્વેલર્સ' નામની દુકાનની દીવાલમાં મોટું બાકોરું પાડી અંદર પ્રવેશ્યા હતા.

દુકાનમાં પ્રવેશેલા તસ્કરોએ ડિસ્પ્લે અને તિજોરીમાંથી ₹2.74 લાખની કિંમતના 24 ગ્રામ સોનાના ઘરેણાં, ₹12.50 લાખની કિંમતના 6 કિલો 250 ગ્રામ ચાંદીના વિવિધ દાગીના તેમજ ₹2 લાખની કિંમતનો આશરે 1 કિલો 500 ગ્રામ ચાંદીનો ભંગાર મળી કુલ ₹17,24,000 ની મત્તાની ચોરી કરી હતી.

સવારે બનાવની જાણ થતાં જ વેપારી અને આસપાસના દુકાનદારો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મોરબી એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધીને ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તસ્કરોને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

મોરબીમાં સોનીની દુકાનમાં ₹17.24 લાખની ચોરી

મોરબીના સરદાર રોડ પર સ્થિત રાધા કૃષ્ણ જ્વેલર્સની દીવાલમાં બાકોરું પાડી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા. દુકાનમાંથી ₹2.74 લાખનું સોનું અને ₹14.50 લાખની ચાંદી મળી કુલ ₹17.24 લાખના મુદ્દામાલની ચોરી કરી ચોર ટોળકી ફરાર થઈ ગઈ છે. એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.