રિયલ એસ્ટેટ કંપની નાદાર થાય તો પણ પ્રમોટરો અને ડિરેક્ટરો સામે ચાલુ રહેશે કેસ!
-
જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની પીઠ દ્વારા આ ચુકાદો અપાયો છે.
-
કંપની સામે કાર્યવાહી અટકે તો પણ પ્રમોટરોની અલગ કાનૂની જવાબદારી બને છે.
-
આઇબીસીની કલમ ૧૪ ના મોરેટોરિયમનો લાભ પ્રમોટરોને મળી શકશે નહીં.
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
નવી દિલ્હી, ઘર ખરીદનારાઓ માટે સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતરૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ રિયલ એસ્ટેટ કંપની નાદાર થાય, તો ઇન્સોલ્વન્સી એન્ડ બેન્ક્રપ્સી કોડ (IBC) હેઠળ મળતી રાહત માત્ર કંપનીને જ લાગુ પડશે, અને તેના માલિકો, પ્રમોટરો, ડિરેક્ટરો કે વ્યક્તિગત ગેરંટરને આનું સંરક્ષણ મળશે નહીં. આનો સીધો અર્થ એ છે કે ઘર ખરીદનારાઓ હવે નાદાર કંપનીના પ્રમોટર અને ડિરેક્ટરો સામે પોતાની કાનૂની કાર્યવાહી ચાલુ રાખી શકશે.
બેંગલુરુના 'માન્યતા એનર્જી' પ્રોજેક્ટમાં ઘર ખરીદનારાઓએ વર્ષ ૨૦૨૩માં નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રેડ્રેસલ કમિશન (NCDRC) સમક્ષ અરજી કરી હતી. કંપનીએ ડિસેમ્બર ૨૦૧૮ સુધીમાં પઝેશન આપવાનો વાયદો કર્યો હોવા છતાં નાણાં ચૂકવાયા બાદ પણ ઘર ન મળતા આ વિવાદ સર્જાયો હતો. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની પીઠે જણાવ્યું કે આઈબીસીનું મોરેટોરિયમ માત્ર નાદાર કંપની પર જ લાગુ થાય છે અને જ્યાં સુધી કાયદામાં સ્પષ્ટ જોગવાઈ ન હોય ત્યાં સુધી તેનો લાભ પ્રમોટરો કે ડિરેક્ટરોને આપી શકાય નહીં.
આ ચુકાદાથી ઘર ખરીદનારાઓને પોતાના નાણાં કે હક પાછા મેળવવાની શક્યતા વધી ગઈ છે. ઇન્સોલ્વન્સી એન્ડ બેન્ક્રપ્સી બોર્ડ ઓફ ઇન્ડિયાના આંકડા મુજબ નાદારી કાયદા હેઠળની ફરિયાદોમાં ૪૩.૯ ટકા ફરિયાદો ઘર ખરીદનારાઓની છે. નિષ્ણાતોનું માનવું છે કે આ નિર્ણયથી પ્રમોટરોની જવાબદારી વધશે અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ખરીદદારોના હિતોનું વધુ સારું રક્ષણ થઈ શકશે.