મુંબઈ પોલીસ વિભાગમાં કરોડો રૂપિયાના બોગસ પગાર કૌભાંડનો મોટો પર્દાફાશ!
-
બિન-પોલીસ વ્યક્તિઓને મુંબઈ પોલીસના સ્ટાફ તરીકે દર્શાવીને પગાર ચૂકવાયો હતો.
-
વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન બે તબક્કામાં આ બોગસ ચૂકવણું કરવામાં આવ્યું હતું.
-
ઉત્તર ક્ષેત્રીય વિભાગના અધિકારીની ફરિયાદ બાદ ગુનો દાખલ કરાયો છે.
સિટી ન્યુઝ @ મુંબઈ
મુંબઈ, મુંબઈ પોલીસ વિભાગમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેણે સરકારી સેલેરી સિસ્ટમ પર મોટા સવાલો ઊભા કર્યા છે. જે કર્મચારીઓનું વાસ્તવિક અસ્તિત્વ જ નહોતું, તેમના નામે કરોડો રૂપિયાનો પગાર ચૂકવવામાં આવતો હોવાનો મોટો પર્દાફાશ થયો છે. કાગળ પર નોંધાયેલા ૧૦ કથિત બોગસ કર્મચારીઓને વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન અંદાજે રૂ. ૬.૪૧ કરોડ પગાર તરીકે ચૂકવી દેવામાં આવ્યા હતા. આ આખા કૌભાંડનો ખુલાસો આશરે છ વર્ષ પછી થયો, જ્યારે કર્મચારીઓનો ડેટા જૂના પે પોર્ટલ 'સેવાર્થ' પરથી નવા સોફ્ટવેર પ્લેટફોર્મ પર ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો હતો.
તપાસ દરમિયાન સામે આવ્યું કે જે લોકોને દર મહિને સરકારી તિજોરીમાંથી પગાર આપવામાં આવી રહ્યો હતો, તેઓ મુંબઈ પોલીસના કર્મચારી હતા જ નહીં. આમ છતાં તેમના નામ સેલેરી લિસ્ટમાં સામેલ હતા અને દર મહિને તેમના બેંક ખાતામાં રકમ જમા થતી હતી. આ મામલાનો ખુલાસો મુંબઈ પોલીસના ઉત્તર ક્ષેત્રીય વિભાગના એક અધિકારીની ફરિયાદ બાદ થયો હતો. એફઆઈઆરમાં રામદાસ ભોગલે, સુધાકર કદમ, સરજૂ યાદવ, ભગવત ભોસલે, ગુણાજી ખવકર, મહાદેવ હલદંકર, રાજેન્દ્ર સોનાર, ઉત્તમ થોરાત, સૂર્યકાંત પાટીલ અને પાંડુરંગ કદમ જેવા નામ સામે આવ્યા છે.
આ બોગસ પગાર ચૂકવણું ડિસેમ્બર ૨૦૧૯ થી ફેબ્રુઆરી ૨૦૨૦ અને જૂન ૨૦૨૦ થી સપ્ટેમ્બર ૨૦૨૦ દરમિયાન આચરાયું હતું. મંત્રાલય સ્તરના કેટલાક ક્લાર્કોએ મળીને બોગસ હાજરી પત્રક અને અન્ય રેકોર્ડ તૈયાર કર્યા હતા. આ કેસમાં પૂર્વ વહીવટી અધિકારી રામકિશન ગોસ્વામી, નાગેશ તલવડેકર અને વિજયા ચૌહાણ ઉપરાંત હેડ ક્લાર્ક અજય રાઠોડ અને સિનિયર ક્લાર્ક અમોલ મેશ્રામ સામે ગુનો નોંધાયો છે, તેમજ વિજયા ચૌહાણ અને અમોલ મેશ્રામને સસ્પેન્ડ કરી દેવાયા છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે આ મામલો વર્ષ ૨૦૨૦નો છે અને ગડબડ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે તેમજ નિષ્પક્ષ તપાસ ચાલુ રહેશે.