એઆઈ અને ડીપફેક ટેકનોલોજીનો દુરુપયોગ કરીને નાણામંત્રીના નામે વાયરલ થયો ફેક વીડિયો!
-
ઓનલાઈન ઠગાઈ કરનારાઓ દ્વારા એઆઈનો ઉપયોગ કરીને છેતરપિંડી આચરવામાં આવી રહી છે.
-
વીડિયોમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન રોકાણ યોજનાનું સમર્થન કરતા દેખાયા છે.
-
દેશની કોઈપણ બેંક આ યોજના અંતર્ગત પેમેન્ટ કરશે તેવો ખોટો દાવો કરાયો હતો.
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
નવી દિલ્હી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના હકારાત્મક ઉપયોગને બદલે તેના દુરુપયોગ દ્વારા આચરવામાં આવતી ઓનલાઈન ઠગાઈના કિસ્સાઓ દિનપ્રતિદિન વધી રહ્યા છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક એવો ફેક અને ડીપફેક વીડિયો વાયરલ થયો છે, જેમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન એક એવી રોકાણ યોજનાનું સમર્થન કરતા દેખાઈ રહ્યા છે જેમાં માત્ર ૨૨ હજાર રૂપિયાના રોકાણ પર મહિને ૩૦ લાખ રૂપિયા કમાવવાનો દાવો કરવામાં આવ્યો છે.
આ વીડિયોને જોઈને ઘણા સામાન્ય નાગરિકો તેને કોઈ સરકારી યોજના સમજી બેઠા હતા. જોકે, સરકારની અધિકૃત ફેક્ટચેક એજન્સી પીઆઈબી ફેક્ટચેક (PIB Fact Check) દ્વારા આ વીડિયોની સચ્ચાઈ બહાર લાવવામાં આવી છે અને તેને સંપૂર્ણપણે બોગસ જાહેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં એવો ભ્રામક દાવો કરાયો હતો કે આ કોઈ વિજ્ઞાપન નથી પરંતુ સરકાર તરફથી આપવામાં આવેલી ગેરંટી છે અને દેશની કોઈપણ બેંક આ યોજના અંતર્ગત પેમેન્ટ કરશે.
વાસ્તવિકતા એ છે કે નાણામંત્રી દ્વારા આવી કોઈ જ યોજનાનું સમર્થન કરવામાં આવ્યું નથી અને આ વીડિયો સંપૂર્ણપણે એઆઈની મદદથી બનાવવામાં આવેલો ડીપફેક છે. પીઆઈબી ફેક્ટચેકે નાગરિકોને આવા પ્રલોભનોથી સતર્ક રહેવા અને સાવચેત રહેવા અપીલ કરી છે.
જો કોઈપણ નાગરિક પાસે આવો કોઈ શંકાસ્પદ કે ફેક વીડિયો આવે, તો તેની જાણકારી તુરંત જ વોટ્સએપ નંબર 87997 11259 પર મોકલીને સાચી માહિતી મેળવી શકાય છે.