Loading Please Wait !!!
માર્ગ અકસ્માતો અને નિયમોના ઉલ્લંઘન પર સુપ્રીમ કોર્ટની સખ્ત લાલ આંખ!

 

  • ૩૦.૪ કરોડ રજિસ્ટર્ડ વાહનોમાંથી ૧૬.૫ કરોડ વાહનો વીમા વિનાના છે.

  • હાઈવે પર લાગેલા કેમેરાથી વાહનોની ઓળખ કરીને ચલણ મોકલાશે.

  • મોટર વ્હીકલ એક્ટની ધારા ૧૪૬ અંતર્ગત ફરજિયાત વીમાનો ઉદ્દેશ છે.

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

નવી દિલ્હી, માર્ગો પર વધતા અકસ્માતો અને નિયમોના ગંભીર ઉલ્લંઘનને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે અત્યંત સખ્ત વલણ અપનાવ્યું છે. દેશમાં દોડતા અંદાજે ૫૬ ટકા વાહનો વીમા વગરના હોવા પર આશ્ચર્ય વ્યક્ત કરતા જસ્ટીસ સંજય કરોલ અને જસ્ટીસ પ્રશાંતકુમાર મિશ્રની બેન્ચે મહત્વના નિર્દેશો આપ્યા છે. કોર્ટે સૂચન કર્યું છે કે જે ગાડીઓનો વીમો ન હોય તેમનું ચલણ ફાટવામાં આવે અને જ્યાં સુધી વીમો વેલિડ ન થાય ત્યાં સુધી તેમને પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ કે ઈંધણ ન આપવામાં આવે.

કોર્ટે જણાવ્યું છે કે કુલ ૩૦.૪ કરોડ રજિસ્ટર્ડ વાહનોમાંથી ૧૬.૫ કરોડ વાહનો વીમા વિનાના છે, જેના કારણે માર્ગ અકસ્માતના પીડિતોને વળતર મેળવવા માટે લાંબા કાનૂની સંઘર્ષમાંથી પસાર થવું પડે છે. આ સમસ્યાના ઉકેલ માટે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (ઇરડા) અને માર્ગ પરિવહન મંત્રાલયે સાથે મળીને એક પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરવો જોઈએ, જે અંતર્ગત વાહનના ઇંધણને તેના વેલિડ વીમા સ્ટેટસ સાથે જોડવામાં આવે.

આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં નવી કાર માટે થર્ડ-પાર્ટી વીમાની મુદત વધારીને ૪ વર્ષ અને નવા દ્વિચક્રી વાહનો માટે ૬ વર્ષ કરવાની સૂચના આપી છે. અગાઉ આ અવધિ કાર માટે ૩ વર્ષ અને મોટરસાઇકલ માટે ૫ વર્ષ હતી. કોર્ટે રાજ્યની ટ્રાફિક પોલીસને હેન્ડ હેલ્ડ ડિવાઈસ અને ડાઉનલોડ કરવા યોગ્ય એપ્સ આપવાનો પણ આદેશ આપ્યો છે જે વાહન પોર્ટલ સાથે જોડાયેલ હોય.

આ કડક પગલાંઓનો મુખ્ય ઉદ્દેશ કાયદાનું કડક પાલન કરાવવાનો અને અકસ્માતના પીડિતોને સમયસર ન્યાય અપાવવાનો છે.

માર્ગ સુરક્ષા અને કાનૂન

વાહનોમાં વીમાની ફરજિયાત જોગવાઈઓ અને ટ્રાફિક નિયમોનું કડક પાલન નાગરિકોની સુરક્ષા તેમજ આર્થિક સલામતી માટે અત્યંત આવશ્યક છે.