Loading Please Wait !!!
દેશમાં E20 પેટ્રોલના ઉપયોગથી એન્જિન બગડવાના દાવા સામે સરકારની સ્પષ્ટતા!

 

  • E20 પેટ્રોલના વિવાદ વચ્ચે ઓટોમોબાઈલ ક્ષેત્રે ચર્ચાઓ વેગવંતી બની છે.

  • પેટ્રોલમાં વધુ પડતા ક્લોરાઈડ અને ભેજના કારણે કાટ લાગવાની આશંકા વ્યક્ત કરાઈ.

  • ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા 150 થી વધુ ગુણવત્તા ધોરણોની કડક તપાસ કરાય છે.

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

દેશમાં E20 પેટ્રોલ (20% ઇથેનોલ મિશ્રિત) ના ઉપયોગને લઈને હાલમાં ભારે ચર્ચા અને વિવાદ જોવા મળી રહ્યો છે. સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM) ના એક કથિત રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે પેટ્રોલમાં ક્લોરાઈડ અને ભેજનું પ્રમાણ વધવાને કારણે વાહનોના એન્જિન અને સ્પેરપાર્ટ્સ ઝડપથી ખરાબ થઈ રહ્યા છે. આ અહેવાલ સામે આવ્યા બાદ વાહનચાલકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું, જોકે બાદમાં આ રિપોર્ટ હટાવી લેવામાં આવ્યો હતો.

રિપોર્ટમાં દાવો કરાયો હતો કે પેટ્રોલમાં ક્લોરાઈડનું પ્રમાણ ઊંચું હોવાને કારણે ફ્યુઅલ ઈંજેક્ટર અને એન્જિનમાં કાટ લાગવાની સમસ્યા વધી છે. આ ઉપરાંત, ઇથેનોલ વાતાવરણમાંથી ભેજ શોષી લેવાની ક્ષમતા ધરાવતું હોવાથી, કેટલાક સેમ્પલમાં નિર્ધારિત મર્યાદા કરતાં વધુ ભેજ જોવા મળ્યો હતો, જેના કારણે એન્જિન બંધ પડી જવાની તકનીકી ખામીઓ સર્જાઈ શકવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

આ સમગ્ર વિવાદ અંગે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા તાત્કાલિક સ્પષ્ટતા કરવામાં આવી છે. સરકારે જણાવ્યું છે કે દેશભરમાં ઈંધણની ગુણવત્તાની નિયમિત તપાસ થાય છે અને દેશભરમાંથી લેવાયેલા 2,000 થી વધુ સેમ્પલમાંથી માત્ર 2 જ કેસમાં ક્લોરાઈડની હાજરી મળી હતી, જે બાદ તે બંને પેટ્રોલ પંપ પરથી ઈંધણનું વેચાણ તરત જ બંધ કરાવી દેવાયું હતું.

વિવાદ વધતાં SIAM દ્વારા પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે સામાન્ય વાહનચાલકોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા 150 થી વધુ અલગ-અલગ ગુણવત્તા ધોરણોની કડક ચકાસણી કરવામાં આવે છે તેમજ મંત્રાલય દ્વારા ક્લોરાઈડ અને સલ્ફરની મર્યાદા અગાઉથી જ 3ppm નક્કી કરી દેવામાં આવી છે.

સરકાર અને સંબંધિત સંગઠનોના આ સંયુક્ત પગલાંઓથી ઇંધણની ગુણવત્તા અને વાહનોની સુરક્ષા અંગે ફેલાયેલી ગેરસમજો દૂર થવા પામી છે, અને નાગરિકોને ગુણવત્તાયુક્ત ઇંધણ મળી રહે તે માટે તંત્ર સંપૂર્ણપણે સતર્ક છે.