Loading Please Wait !!!
દેશમાં યુપીઆઇ પેમેન્ટ સિસ્ટમ પર વધતા બોજા વચ્ચે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ વસૂલવાના સંકેત!

 

  • ડિજિટલ પેમેન્ટમાં યુપીઆઈની વધતી લોકપ્રિયતાથી સિસ્ટમ પર ભાર વધી રહ્યો છે.

  • બેંકો અને પેમેન્ટ સર્વિસ આપતી કંપનીઓ પરના પ્રતિબંધો દૂર કરવાનો પ્રસ્તાવ છે.

  • જુલાઈ માસમાં ૨૩.૭ બિલિયન યુપીઆઈ વ્યવહારો નોંધાયા હોવાનું સામે આવ્યું છે.

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

નવી દિલ્હી, દેશમાં વધતા જતા ડિજિટલ પેમેન્ટમાં યુપીઆઈ (UPI) ની ભૂમિકા સતત વધી રહી છે અને લોકો હવે મોબાઈલ મારફત નાની રકમનું પેમેન્ટ પણ ડિજિટલ રીતે કરતા હોવાથી સિસ્ટમ પર સંચાલનનો બોજ વધી રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે સરકાર હવે યુપીઆઈમાં રૂા. ૨૦૦૦ થી વધુના પેમેન્ટમાં ૦.૨૫ થી ૦.૪ સુધીનો મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) કે ચાર્જ વસૂલવાની છૂટ આપે તેવા સંકેત મળી રહ્યા છે.

આ નવા પ્રસ્તાવ મુજબ વ્યક્તિથી વ્યક્તિ એટલે કે પર્સનલ નાણાં બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે તેના પર કોઈ જ બોજ આવશે નહીં, પરંતુ મર્ચન્ટ પેમેન્ટમાં આ પ્રકારનો ચાર્જ વસૂલી શકાશે. સંસદના ચોમાસુ સત્રમાં નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા ટેક્સેશન એન્ડ અધર લો સુધારા ખરડો રજૂ કરવામાં આવ્યો છે, જેમાં બેંકો અને પેમેન્ટ સર્વિસ આપતી કંપનીઓ પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ ચાર્જ વસૂલવા પરનો પ્રતિબંધ દૂર કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રૂા. ૨૦૦૦ સુધીના વ્યવહારો તમામ ડિજિટલ વ્યવહારોમાં ૬૩ ટકાનો હિસ્સો ધરાવે છે, જેથી શાકભાજી, કિરાણા, ઓટો કે ટેક્સી ભાડા જેવા રોજિંદા નાના વ્યવહારો પર કોઈ વધારાના ચાર્જની અસર પડશે નહીં. જુલાઈ મહિનામાં કુલ ડિજિટલ યુપીઆઈ વ્યવહારો ૨૩.૭ બિલિયન નોંધાયા હતા, જેમાં ૯૫ ટકા વ્યવહારો રૂા. ૨૦૦૦ કે તેથી નીચેના હતા. સંસદમાં આ અંગે વિસ્તૃત ચર્ચા થયા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે.