બનાસકાંઠામાં લાલજી પટેલનું નિવેદન : પ્રેમલગ્ન OK, ગુંડાતત્વો સાથે લગ્ન SPG સહન નહીં કરે
સિટી ન્યૂઝ@બનાસકાંઠા
આંતરજ્ઞાતિય લગ્ન અને પ્રેમલગ્નને લઈને સરદાર પટેલ ગ્રુપના રાષ્ટ્રીય પ્રમુખ લાલજી પટેલે એક અત્યંત સૂચક અને કડક નિવેદન આપ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં આયોજિત એક સામાજિક કાર્યક્રમમાં મંચ પરથી બોલતા લાલજી પટેલે સમાજની દીકરીઓ, તેમના સંરકાર અને આજની આધુનિક ટેકનોલોજીની આડઅસરો વિશે ખુલીને વાત કરી હતી. તેમના આ નિવેદન બાદ સમગ્ર રાજ્યમાં તરફેણ અને વિરોધમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા SPGપ્રમુખે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, કોઈને પ્રેમલગ્ન સામે વાંધો ન હોઈ શકે, પરંતુ સમાજની દીકરી સમાજમાં જ રહે તે સૌથી વધુ હિતાવહ છે. તેમણે આક્રમક અંદાજમાં જણાવ્યું કે, જો કોઈ દીકરી અસામાજિક તત્વો કે ગુંડાઓ સાથે ભાગીને લગ્ન કરી લે, તો તે કોઈ પણ કાળે સ્વીકાર્ય નથી.
તેમણે ઉમેર્યું કે, "કદાચ કોઈ સંજોગોમાં સમાજ આ વાત ચલાવી લેશે, તો પણ SPG આવી બાબતો બિલકુલ સાંખી નહીં લે." આ સાથે જ તેમણે હુંકાર કર્યો હતો કે જે દીકરીઓ આવા અસામાજિક તત્વોની જાળમાં ફસાઈ ગઈ છે, તેમને પરત લાવવા માટે સંગઠન દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવશે.
દીકરીઓ ખોટા માર્ગે કેમ વળે છે, તે અંગે વાત કરતા લાલજી પટેલે આજના ડિજિટલ યુગને પણ જવાબદાર ઠેરવ્યો હતો. તેમણે જણાવ્યું કે, સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાના આ યુગમાં યુવતીઓ ઘણીવાર ટેકનોલોજીના પ્રભાવમાં આવીને જીવનના ખોટા નિર્ણયો લઈ લેતી હોય છે. આથી, પરિવારોએ પોતાની દીકરીઓ પર પૂરતું ધ્યાન આપવું જોઈએ અને વધુ સજાગ રહેવાની જરૂર છે.
સમાજના વાલીઓને ટકોર કરતા તેમણે અપીલ કરી હતી કે, માતા-પિતાએ પોતાની દીકરીઓને બાળપણથી જ સારા સંસ્કાર અને જીવનની સાચી સમજણ આપવી જોઈએ, જેથી ભવિષ્યમાં તેઓ કોઈ ખોટા પ્રલોભનોમાં ન કસાય.