જંતર-મંતર પર પોલીસનું એક્શન: સોનમ વાંગચુકની અટકાયત, હોસ્પિટલમાં દાખલ
- 21 દિવસથી ભૂખ હડતાળ પર હતા વાંગચુક, હવે અભિજીત દીપકે આંદોલનની કમાન સંભાળી
- જંતર-મંતર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત, CJP દ્વારા વડાપ્રધાનના રાજીનામાની માંગ
- શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે શરૂ થયેલું આંદોલન હવે નવા વળાંક પર
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
દિલ્હીના જંતર-મંતર પર છેલ્લા 21 દિવસથી પેપર લીક મામલે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે ભૂખ હડતાળ પર બેઠેલા જાણીતા પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકને શનિવારે વહેલી સવારે દિલ્હી પોલીસે મંચ પરથી ઉઠાવીને સફદરજંગ હોસ્પિટલમાં ખસેડ્યા છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, હાઈકોર્ટના નિર્દેશોના પાલન અને વાંગચુકના સ્વાસ્થ્યની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. હાલ હોસ્પિટલની બહાર રેપિડ એક્શન ફોર્સ (RAF) તૈનાત કરવામાં આવી છે અને ડોકટરોની ટીમ તેમની સતત સારવાર કરી રહી છે.
આ કાર્યવાહી દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું હતું. ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) ના સ્થાપક અભિજીત દીપકેએ દાવો કર્યો છે કે પોલીસે પ્રદર્શનકારીઓ સાથે મારપીટ કરી છે. તેમણે આંદોલન સમાપ્ત ન કરવાનો નિર્ધાર વ્યક્ત કરતા હવે પોતે ભૂખ હડતાળ શરૂ કરી દીધી છે. સીજેપી દ્વારા હવે શિક્ષણ મંત્રીની સાથે સાથે વડાપ્રધાનના રાજીનામાની પણ માંગણી કરવામાં આવી છે. સમગ્ર જંતર-મંતર વિસ્તારને 4 લેયરના બેરિકેડિંગ સાથે છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં સુરક્ષાદળો તૈનાત કરવામાં આવ્યા છે.
આ ઘટના પર રાજકીય પ્રતિક્રિયાઓ પણ તેજ બની છે. આપ નેતા સંજય સિંહે સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, લોકશાહીમાં વાતચીત કરવાને બદલે સરકાર બળપ્રયોગ કરી રહી છે અને પીએમ મોદીનો અહંકાર સામે આવ્યો છે. અગાઉ અરવિંદ કેજરીવાલ, ડિમ્પલ યાદવ અને પવન ખેડા જેવા દિગ્ગજ નેતાઓએ વાંગચુકના આંદોલનને ટેકો આપ્યો હતો. હવે સોનમ વાંગચુક હોસ્પિટલમાં હોવા છતાં, અભિજીત દીપકેની નવી ભૂખ હડતાળ અને 20 જુલાઈની સંસદ કૂચના કાર્યક્રમને પગલે દિલ્હીમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે.