Loading Please Wait !!!
સલમાન બાદ હવે આમિર ખાન બિશ્નોઈ ગેંગના નિશાના પર: લવ જેહાદના બહાને ધમકી

  • ગેંગે આમિર-ગૌરીના લગ્નને ગણાવ્યા સંસ્કૃતિ વિરોધી, ગંભીર પરિણામોની આપી ચેતવણી
  • ધમકીભર્યા પત્રમાં આરઝૂ અને ટાયસન બિશ્નોઈના નામ, સોશિયલ મીડિયા પર ખળભળાટ
  • આમિર ખાનની સાથે સ્થાનિક પ્રશાસન અને નેતાઓને પણ લીધા નિશાના પર

સિટી ન્યુઝ @ મુંબઈ

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન બાદ હવે અભિનેતા આમિર ખાન લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાના પર આવ્યા છે. શનિવારે ગેંગ તરફથી એક ધમકીભર્યો પત્ર અને ઓડિયો મેસેજ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં આમિર ખાન અને ગૌરી સ્પ્રેટના લગ્નને ‘લવ જેહાદ’ ગણાવી અભિનેતાને ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપવામાં આવી છે. આ પત્રમાં ગેંગના સભ્યો આરઝૂ બિશ્નોઈ અને ટાયસન બિશ્નોઈના નામનો ઉલ્લેખ છે, જેણે બોલિવૂડ સહિત દેશભરમાં ખળભળાટ મચાવી દીધો છે.

ગેંગ દ્વારા જાહેર કરાયેલા પત્રમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, “આમિર ખાન જેવા લોકો સ્ટારડમના નામે લવ જેહાદને પ્રોત્સાહન આપી રહ્યા છે, જે અમારી સંસ્કૃતિ વિરોધી છે.” ધમકી આપનારાઓએ ચેતવણીના સ્વરમાં કહ્યું છે કે આવા કૃત્યો બિલકુલ સહન કરવામાં આવશે નહીં અને જે કોઈ તેને પ્રોત્સાહન આપશે, તેને ખૂબ જલ્દી પાઠ ભણાવવામાં આવશે. આ ધમકીભર્યા સંદેશા બાદ અભિનેતાની સુરક્ષાને લઈને ચિંતાઓ વધી છે.

આ પત્રમાં માત્ર આમિર ખાન જ નહીં, પરંતુ રાજસ્થાનના રાજકારણીઓને પણ આખરી ચેતવણી આપવામાં આવી છે. શ્રીગંગાનગરમાં એક માસૂમ બાળકી સાથેના બળાત્કારના કેસનો ઉલ્લેખ કરી ગેંગે નેતાઓને હસ્તક્ષેપ ન કરવા અને આરોપીઓને બચાવવાનો પ્રયાસ ન કરવા માટે કડક આદેશ આપ્યા છે. ગેંગનું કહેવું છે કે જો આરોપીઓ કાયદાની સજાથી બચી જશે, તો તેઓ તેમને પોતાની રીતે સજા કરશે. આ ઘટના બાદ સ્થાનિક પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે અને સમગ્ર મામલાની ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે.

 બિશ્નોઈ ગેંગની ધમકી લોરેન્સ બિશ્નોઈ ગેંગે આમિર ખાનને તેમના લગ્નને લવ જેહાદ ગણાવી જાનથી મારી નાખવાની ધમકી આપી છે. આરઝૂ અને ટાયસન બિશ્નોઈના નામ સાથેનો આ પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ગેંગે રાજસ્થાનના નેતાઓને પણ બાળકી પરના બળાત્કાર કેસમાં આરોપીઓને બચાવવા બદલ ચેતવણી આપી છે. આ સમગ્ર મામલે તપાસ તેજ કરી દેવામાં આવી છે.