રાજૌરી સરહદે પાકિસ્તાનની નાપાક હરકત: LoC પર ભારે ગોળીબાર, ભારતે આપ્યો જડબાતોડ જવાબ
- આતંકીઓની ઘૂસણખોરીને કવર આપવા પાકિસ્તાની સેનાનો પ્રયાસ, ભારતીય જવાનો રહ્યા સતર્ક
- રાજૌરીના તરકુંડી સેક્ટરમાં રાત્રિના અંધકારમાં પાકિસ્તાની સેનાનો ગોળીબાર, સર્ચ ઓપરેશન શરૂ
- આતંકી હિલચાલ બાદ સરહદ પર એલર્ટ, ઓપરેશન સિંદૂર બાદ પહેલી મોટી અથડામણ
સિટી ન્યુઝ @ રાજૌરી
જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં લાઇન ઓફ કંટ્રોલ (LoC) પર શુક્રવારે મોડી રાત્રે પાકિસ્તાની સેનાએ ભારે ગોળીબાર કરીને સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું છે. PoJK માં ચાલી રહેલા સ્થાનિક વિરોધ પ્રદર્શનોથી ધ્યાન ભટકાવવા માટે પાકિસ્તાન દ્વારા રચવામાં આવેલા આ પેંતરાનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો. શુક્રવારે રાત્રે 10 થી 11 વાગ્યાના ગાળામાં તરકુંડી ફોરવર્ડ એરિયામાં પાકિસ્તાન તરફથી નાના હથિયારો વડે શરૂ થયેલા અંધાધૂંધ ફાયરિંગ સામે ભારતીય જવાનોએ મોરચો સંભાળી પાકિસ્તાની ચોકીઓ પર વળતો પ્રહાર કર્યો હતો.
સૈન્ય સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની સેનાનો મુખ્ય ઈરાદો સરહદ પારથી આતંકીઓની ઘૂસણખોરી કરાવવાનો હતો. આતંકીઓને સુરક્ષિત ઘૂસણખોરી કરાવવા માટે પાકિસ્તાની સેનાએ તેમને 'કવર ફાયર' પૂરું પાડવા ગોળીબાર કર્યો હતો. જોકે, ભારતીય જવાનોની સતર્કતાને કારણે આ ઘૂસણખોરીનો પ્રયાસ સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યો હતો. ગત વર્ષે થયેલા 'ઓપરેશન સિંદૂર' બાદ આ વિસ્તારમાં બંને દેશો વચ્ચે થયેલી આ સૌથી મોટી સૈન્ય અથડામણ માનવામાં આવે છે. આ ઘટનામાં સદનસીબે કોઈ ભારતીય જવાન કે નાગરિકને જાનહાનિ થઈ નથી.
શનિવારે વહેલી સવારથી જ ભારતીય સેના દ્વારા સમગ્ર સરહદી પટ્ટામાં સઘન સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. કોઈ આતંકવાદી સરહદની આ તરફ છુપાયેલો ન રહે તે માટે જવાનો દ્વારા ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. LoC પર સુરક્ષા વ્યવસ્થા અત્યંત અભેદ્ય બનાવી દેવામાં આવી છે અને સેનાના ઉચ્ચ અધિકારીઓ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે ભારતીય સેના સંપૂર્ણપણે તૈયાર છે અને પાકિસ્તાનની દરેક ઉશ્કેરણીનો મુખતોડ જવાબ આપવા માટે સજ્જ છે.