હપ્તા ન ભરનાર 5 આવાસ ધારકોના ફાળવણી પત્ર રદ
વારંવારની સૂચના છતાં હપ્તાની બાકી રકમ ન ભરતા 'રૂડા' દ્વારા કડક કાર્યવાહી: 7 દિવસમાં રજૂઆત કરવાની અંતિમ તક
સિટી ન્યૂઝ@રાજકોટ: રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (RUDA) દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ મેળવનાર લાભાર્થીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લાંબા સમયથી આવાસના હપ્તાની રકમ બાકી રાખનાર 5 આવાસધારકોના આવાસ રદ કરવાનો નિર્ણય રૂડા તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે.
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા નિર્મિત વિવિધ આવાસ સાઇટ પર કેટલાક લાભાર્થીઓ દ્વારા હપ્તા પેટે મોટી રકમ બાકી રાખવામાં આવી હતી. આ અંગે રૂડા કચેરી દ્વારા સંબંધિત આવાસધારકોને અગાઉ વારંવાર જાણ કરવામાં આવી હોવા છતાં, નિર્ધારિત સમયમર્યાદામાં રકમ જમા કરાવવામાં આવી નહોતી. અંતે, રૂડાની બોર્ડ બેઠકમાં લેવાયેલા ઠરાવ મુજબ આ પાંચેય આવાસધારકોની ફાળવણી રદ કરવામાં આવી છે.
જેમાં વૃંદાવન હાઉસિંગ કો. ઓપરેટીવ સોસાયટી (ટી.પી.17, એફ.પી.95) D-604, K-104, પરિશ્રમ હાઉસિંગ કો. ઓપરેટીવ સોસાયટી (ટી.પી.17, એફ.પી.73) F-104, પરિવાર હાઉસિંગ કો. ઓપરેટીવ સોસાયટી (ટી.પી.17, એફ.પી.80), શિવશકિત હાઉસિંગ કો. ઓપરેટીવ સોસાયટી (ટી.પી.09, એફ.પી.20/એ) A-1104 નો સમાવેશ થાય છે.
આ મામલે રૂડા તંત્રએ વધુમાં જણાવ્યું છે કે, જો આ બાબતે કોઈ પણ લાભાર્થીને વાંધા-વચકા કે રજૂઆત હોય, તો તેમણે આજથી ૭ (સાત) દિવસની અંદર રૂડા કચેરીના કામકાજના દિવસો દરમિયાન 'આવાસ શાખા'નો સંપર્ક કરવાનો રહેશે. જો આ સમયગાળામાં કોઈ રજૂઆત કરવામાં નહીં આવે, તો આ આવાસ રદ કરવાની પ્રક્રિયા આખરી ગણવામાં આવશે.