Loading Please Wait !!!
RMCમાં નિમણૂંકના ચોથા દિવસે જ 15માંથી 12 ચેરમેન ‘કામ-ધંધે’ !

પ્રજાના ‘સેવકો’એ બેદરકારીની હદ વટાવી

12 ચેરમેનો ગાયબ : ચેમ્બરો ખાલી પણ AC લાઈટ-પંખા ચાલુ હતા

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકામાં પદાધિકારીઓ અને અધિકારીઓની બેદરકારીના કિસ્સાઓ અવારનવાર સામે આવતા રહે છે, પરંતુ તાજેતરમાં જ નિમાયેલા સમિતિના ચેરમેનોએ તો હજુ શરૂઆતમાં જ પોતાની જવાબદારીઓ પ્રત્યે ઉદાસીનતા દાખવવાનું શરૂ કરી દીધું છે. સોમવારે જ મહાનગરપાલિકાની વિવિધ ૧૫ સમિતિઓના ચેરમેનોની સત્તાવાર રીતે નિમણૂક કરવામાં આવી હતી. આ નિમણૂકને હજુ માત્ર ચાર દિવસ જ થયા છે, ત્યાં આજે જ ભારે આશ્ચર્ય અને આઘાતજનક ચિત્ર સામે આવ્યું છે. ૧૫ સમિતિઓમાંથી ગુરુવારે માત્ર ૩ જ સમિતિના ચેરમેન પોતાની ચેમ્બરમાં હાજર જોવા મળ્યા હતા, તો અન્ય ૧૨ સમિતિના ચેરમેનો ગેરહાજર જણાતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં સરકારી કચેરીઓ અને સંસ્થાઓમાં કરકસર કરવા તેમજ વીજળીનો બગાડ અટકાવવાની અપીલ કરવામાં આવી છે, ત્યારે રાજકોટ મનપાના નવનિયુક્ત ચેરમેનો વડાપ્રધાનના આ કરકસરની અપીલના સરેઆમ ધજાગરા ઉડાડતા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

શ્રી પરેશભાઈ ઠાકર, ચેરમેન, લાઈટીંગ સમિતિ RMCના બોર્ડમાં ભૂલ; ‘ચેરમેન’ને બદલે ‘ચરમેન’ લખાયું રાજકોટ મહાનગરપાલિકાની લાઈટિંગ સમિતિના બોર્ડમાં શબ્દ ‘ચેરમેન’ની જગ્યાએ ‘ચરમેન’ લખાતા તંત્રની સ્પેલિંગની ભૂલ પણ સુધારવામાં ન આવતા મનપાની કામગીરી અને ચકાસણી પ્રક્રિયા સામે સવાલો ઉભા થયા છે. આ ભૂલને તાત્કાલિક સુધારી જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળીયા લાલઘૂમ આ સમગ્ર ઘટનાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયાએ ગંભીરતાથી નોંધ લીધી છે. તેમણે આ અંગે જણાવ્યું હતું કે, જ્યારે તમામ ચેરમેનોની નિમણૂક કરવામાં આવી હતી, ત્યારે જ સંકલનની બેઠક યોજવામાં આવી હતી. જેમાં આ તમામ નવનિયુક્ત ચેરમેનોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે તેમણે પોતાની ચેમ્બરમાં વધુમાં વધુ સમય હાજર રહેવું, જેથી મનપા ખાતે પોતાના કામ અર્થે આવતા અરજદારોને મુશ્કેલી ન પડે અને તેમને ચેરમેનોની સેવાનો સીધો લાભ મળી શકે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આજે આપના માધ્યમથી ચેરમેનોની ગેરહાજરી અને વીજ ઉપકરણો પણ ચાલુ હોવાની બાબત તેમના ધ્યાને આવી છે. આ બેદરકારીને બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. તેઓ ફરીથી તમામ સમિતિના ચેરમેનોને કડક આદેશ કરશે કે તેઓ નિયમિત અને સમયસર પોતાની ચેમ્બરમાં હાજર રહે. આ સાથે જ તેમણે વીજળીના બગાડ અંગે પણ નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે, જ્યારે ચેરમેન કે અન્ય કોઈ વ્યક્તિ ચેમ્બરમાં હાજર ન હોય ત્યારે લાઈટ, પંખા અને એસી જેવા વીજ ઉપકરણો બંધ રાખવાના રહેશે. ઉલ્લેખનીય છે કે, પરેશ પીપળીયાએ પોતાના વિશે દાવો કરતા કહ્યું હતું કે, તેઓ પોતે જ્યારે પણ ચેમ્બરમાં હાજર નથી હોતા ત્યારે તેમની ચેમ્બરના તમામ વીજ ઉપકરણો બંધ રાખવામાં આવે છે.