Loading Please Wait !!!
'ડોન 3' માંથી રણવીર સિંહની એક્ઝિટ: 40 કરોડનું નુકસાન અને વિવાદ

  • હિંસા અને ગાળાગાળીના મુદ્દે ફરહાન અખ્તર સાથે સર્જાયો ગંભીર મતભેદ.
  • નેગેટિવ રોલને વધુ 'ડાર્ક' બનાવવાની જીદ રણવીરને ભારે પડી; પ્રોડક્શન હાઉસે માગ્યું વળતર.
  • પાત્રની ગરિમા જાળવવા ફરહાન અક્કડ; રણવીરે 10 કરોડની સાઇનિંગ અમાઉન્ટ પરત કરી.

બોલિવૂડના સુપરસ્ટાર રણવીર સિંહ અને જાણીતા ડિરેક્ટર ફરહાન અખ્તર વચ્ચે 'ડોન 3' ફિલ્મને લઈને સર્જાયેલો વિવાદ અત્યારે સિનેજગતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ હાઈ-પ્રોફાઈલ પ્રોજેક્ટ હવે ગંભીર મુશ્કેલીમાં મુકાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, રણવીર સિંહ ઈચ્છતો હતો કે આજના સમયના ટ્રેન્ડ મુજબ 'ડોન' નું પાત્ર વધુ હિંસક અને 'ડાર્ક' હોવું જોઈએ. રણવીરે આગ્રહ રાખ્યો હતો કે પ્રેક્ષકોને લોહીલુહાણ દ્રશ્યો અને ગાળાગાળીવાળી ભાષા વધુ પસંદ પડે છે, પરંતુ ફરહાન અખ્તર આ બાબતના સખત વિરોધમાં હતો.

વિવાદનું મુખ્ય કારણ પાત્રની રજૂઆત હતી. ફરહાન અખ્તરે રણવીરને સમજાવ્યું હતું કે 'ડોન' ફ્રેન્ચાઇઝીની પોતાની એક પ્રતિષ્ઠા છે અને અગાઉ અમિતાભ બચ્ચન કે શાહરુખ ખાને આ પાત્રને ગાળો કે બિનજરૂરી હિંસા દ્વારા ક્યારેય રજૂ કર્યું નથી. ફરહાનના મતે 'ડોન' એક અત્યંત શાતિર અને સ્ટાઇલિશ ગુનેગાર છે, કોઈ સડકછાપ ગુંડો નથી. આ વૈચારિક મતભેદો ઉગ્ર બનતા અંતે રણવીર સિંહે આ મહત્વાકાંક્ષી ફિલ્મ છોડવાનો નિર્ણય કર્યો છે.

રણવીર સિંહના આ આકસ્મિક એક્ઝિટને કારણે ફિલ્મ નિર્માતાઓને 40 કરોડ રૂપિયાનું મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બંને વચ્ચેના સંબંધોમાં ખટાશ ડિસેમ્બર 2025 માં ફિલ્મ 'ધુરંધર' ની રિલીઝ બાદ શરૂ થઈ હતી. રણવીરે અચાનક વોકઆઉટ કરતા ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીએ આ મામલો 'પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા' સમક્ષ રજૂ કર્યો છે. પ્રોડક્શન હાઉસનું કહેવું છે કે ફિલ્મના પ્રી-પ્રોડક્શન પાછળ અગાઉથી જ કરોડોનો ખર્ચ થઈ ચૂક્યો હતો.

ફિલ્મ અધવચ્ચે છોડી દેવા બદલ 'એક્સેલ એન્ટરટેઈનમેન્ટ' એ રણવીર સિંહ પાસે 40 કરોડ રૂપિયાના વળતરની માંગણી કરી છે. કંપનીનું માનવું છે કે શૂટિંગ શેડ્યૂલમાં ફેરફાર અને તૈયારીઓના ખર્ચને કારણે તેમને ભારે આર્થિક ફટકો પડ્યો છે. તાજેતરના અહેવાલો મુજબ, રણવીર સિંહ હાલમાં તેની 10 કરોડ રૂપિયાની સાઇનિંગ અમાઉન્ટ પરત કરવા માટે સહમત થયો છે, પરંતુ બાકીના વળતર અંગે હજુ મડાગાંઠ યથાવત છે.

આ વિવાદને કારણે છેલ્લા ત્રણ વર્ષથી જે પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું હતું તે હવે અધ્ધરતાલ લટકી ગયો છે. 'ડોન' જેવી આઇકોનિક ફ્રેન્ચાઇઝીના ત્રીજા ભાગ માટે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ મુખ્ય કલાકાર અને દિગ્દર્શક વચ્ચેના આ સંઘર્ષે ફિલ્મની રિલીઝ અને નિર્માણ પર મોટા પ્રશ્નાર્થ ચિન્હો મૂકી દીધા છે. હવે ફરહાન અખ્તર કોઈ નવા કલાકારની શોધ કરશે કે પ્રોજેક્ટ પડતો મૂકશે તે જોવું રહ્યું.