ચૂંટણી પૂરી થઈ ને હેલ્મેટ યાદ આવ્યું ! : પહેલા રોડ, ટ્રાફિક સુધારો પછી હેલ્મેટ ફરજિયાત કરો!
- હેલ્મેટ ઝૂંબેશ કે દંડ વસૂલાત ? જનતામાં આક્રોશ
સિટી ન્યૂઝ@રાજકોટ : ગુજરાત પોલીસ વડા દ્વારા ૧ મે થી ૩૧ મે સુધી હેલ્મેટની ચુસ્ત અમલવારી માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. પરંતુ આ વખતે જનતા ચૂપ બેસવાના મૂડમાં નથી. સોશિયલ મીડિયાથી લઈને પાનના ગલ્લા સુધી અત્યારે નીચે મુજબના પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે:
ચૂંટણીના પ્રચાર પ્રસાર દરમિયાન હજારોની મેદની ભેગી થતી હતી, મોટા નેતાઓ હેલ્મેટ વગર રેલીઓ કરતા હતા, ત્યારે કેમ કોઈ નિયમ યાદ ન આવ્યો? શું ચૂંટણી પૂરી થતા જ જનતાનો જીવ કિંમતી થઈ ગયો કે પછી તિજોરી ભરવાનો ટાર્ગેટ પૂરો કરવો છે?
પોલીસ કહે છે કે હેલ્મેટ અકસ્માતમાં જીવ બચાવે છે, પણ જનતા પૂછે છે કે: ખરાબ રસ્તા અને જીવલેણ ખાડાઓને કારણે થતા અકસ્માતોનું શું? શું ખરાબ રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર કે તેને પાસ કરનાર અધિકારી પર ક્યારેય આવી 'રાજ્યવ્યાપી ઝુંબેશ' ચલાવીને દંડ વસૂલવામાં આવ્યો છે? રસ્તામાં ખાડાને કારણે જો કોઈનું મૃત્યુ થાય, તો શું સરકાર તેના પરિવારને વળતર આપશે? જો દંડ લેવાનો હક સરકાર પાસે હોય, તો સુરક્ષિત રસ્તા આપવાની ફરજ પણ તેમની જ છે. લોકોનો સીધો આક્ષેપ છે કે સરકાર પાસે દંડ ઉઘરાવવા માટે આધુનિક કેમેરા અને પૂરતો પોલીસ સ્ટાફ છે, પણ રોડ રસ્તા રિપેર કરવા માટે બજેટ કે સમય નથી. ટેક્સ પેયર તરીકે જનતાને સારા રસ્તા મળવા એ તેમનો હક છે.
- જનતાના આક્રમક સવાલો
શું કાયદો ફક્ત સામાન્ય જનતા માટે જ છે? સત્તાધારી પક્ષની રેલીઓમાં નિયમો કેમ નેવે મૂકાય છે? - રોજે-રોજ દંડનું પત્રક રજૂ કરવાની સૂચના અપાઈ છે, તો શું રોજે-રોજ કેટલા રસ્તા રિપેર થયા તેનું પત્રક જનતા સામે રજૂ કરશો?
- સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત કર્યું એ ઠીક, પણ શું સરકારી ગાડીઓ દ્વારા થતા નિયમભંગ પર પગલાં લેવાશે?
- `લોકશાહી'માં જનતાનો ઉપયોગ ફક્ત વોટ આપવા પૂરતો જ કેમ? કામ પતી ગયા પછી દંડાત્મક આદેશો કેમ?
લોકો સુરક્ષાના વિરોધમાં નથી, પણ પક્ષપાતી વહીવટ અને ખરાબ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિરોધમાં છે: જનતા હવે જાગૃત થઈ છે; તે હવે માત્ર દંડ ભરવા તૈયાર નથી, પણ સાથે-સાથે સુવિધાનો હિસાબ પણ માંગે છે !