'તુમ્બાડ ટુ' માં પ્રિયંકા, કેટરિના કે નયનતારા? સર્ચ શરૂ
- સોહમ શાહ પાર્ટ-2 માં કોઈ ટોચની અભિનેત્રીને સાઈન કરવા માંગે છે.
- પાર્ટ વન કરતાં અનેક ગણું બજેટ; ફિલ્મ માટે હાઈ-પ્રોફાઈલ કાસ્ટિંગની તૈયારી.
- પોણા બે વર્ષના ઇન્તજાર બાદ મોટા પડદા પર જોવા મળશે 'તુમ્બાડ' ની સિક્વલ.
સોહમ શાહની અત્યંત સફળ અને ચર્ચિત ફિલ્મ 'તુમ્બાડ' ની સિક્વલ એટલે કે 'તુમ્બાડ ટુ' ને લઈને મોટા અપડેટ્સ સામે આવ્યા છે. આ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે બોલિવૂડ અને સાઉથની ટોચની હિરોઈનોના નામની ચર્ચા થઈ રહી છે. અહેવાલો મુજબ, આ ફિલ્મ માટે પ્રિયંકા ચોપરા, કેટરિના કૈફ અથવા તો સાઉથની સુપરસ્ટાર નયનતારાને ઓફર કરવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના છે.
ફિલ્મની સ્ક્રિપ્ટ મુજબ પાર્ટ ટુમાં ફીમેલ લીડનું કેરેક્ટર અત્યંત મહત્વનું અને પ્રભાવશાળી છે, જેના કારણે સોહમ શાહ કોઈ જાણીતી અને ટોચની અભિનેત્રીને સાઈન કરવા માંગે છે. સોહમ શાહે આ ત્રણ અભિનેત્રીઓમાંથી કોઈ એકની પસંદગી કરવાનું વિચાર્યું છે, જોકે હાલમાં આ સમગ્ર વાતચીત પ્રાથમિક તબક્કે છે. કોઈ પણ સત્તાવાર મહોર લાગ્યા બાદ જ અંતિમ નામની જાહેરાત કરવામાં આવશે.
વિશેષ વાત એ છે કે 'તુમ્બાડ ટુ' પાર્ટ વન કરતાં અનેક ગણા મોટા બજેટ સાથે તૈયાર કરવામાં આવી રહી છે. આ હાઈ-બજેટ ફિલ્મ ડિસેમ્બર 2027 માં રિલીઝ કરવાની જાહેરાત અગાઉથી જ થઈ ચૂકી છે. એટલે કે દર્શકોએ આ અદભૂત રહસ્યમય દુનિયાને ફરી જોતા જોવા માટે હજુ પોણા બે વર્ષ જેટલો ઇન્તજાર કરવો પડશે.
ફિલ્મના નિર્માણમાં ટેકનિકલ સ્તરે પણ ફેરફાર જોવા મળશે. વર્ષ 2018 માં રજૂ થયેલી મૂળ ફિલ્મનું દિગ્દર્શન અનિલ રાહી બર્વેએ કર્યું હતું, જ્યારે હવે પાર્ટ ટુનું દિગ્દર્શન આદેશ પ્રસાદ કરવાના છે. ડાયરેક્ટરમાં થયેલા આ બદલાવ અને મોટું બજેટ ફિલ્મમાં કેવું નવું તત્વ લાવશે તે જોવું રસપ્રદ રહેશે.
'તુમ્બાડ' ની પ્રથમ ફિલ્મ તેના વિઝ્યુઅલ્સ અને અનોખી વાર્તાને કારણે ક્લાસિક માનવામાં આવે છે. હવે જ્યારે સિક્વલ માટે પ્રિયંકા ચોપરા કે નયનતારા જેવા મોટા નામ જોડાઈ રહ્યા છે, ત્યારે ફિલ્મ પ્રત્યેની ઉત્સુકતા અને અપેક્ષાઓ અનેકગણી વધી ગઈ છે. સોહમ શાહ આ પ્રોજેક્ટને આંતરરાષ્ટ્રીય સ્તરની ગુણવત્તા આપવા માટે કોઈપણ બાંધછોડ કરવા માંગતા નથી.