Loading Please Wait !!!
રણુજા મંદિર બહાર ગંદકીની વરવી વાસ્તવિકતા !

શ્રદ્ધા પર કચરાનો ડાઘ: આસ્થાને પહોંચી રહી છે ભારે ઠેસ

ભગવાનના દર્શન કરતા પહેલા ભક્તોએ ગંદકીમાંથી પસાર થવું

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ શહેરના કોઠારીયા વિસ્તારમાં આવેલ ખ્યાતનામ રણુજા મંદિર હજારો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મોટું કેન્દ્ર છે. પરંતુ હાલમાં આ પત્રિત સ્થળની બહારનું દ્રશ્ય ભક્તોની લાગણીઓને દુભાવી રહ્યું છે. મંદિરના મુખ્ય દરવાજા પર આવેલા આકર્ષક ક્લોક ટાવરની બિલકુલ બાજુમાં જ, ફૂટપાથ અને પતરાની વાડ પાસે કચરાના મોટા ढગલા ખડકાયેલા જોવા મળે છે. મંદિરમાં દર્શન અને શાંતિની શોધમાં આવતા ભક્તોને પ્રવેરાતાની સાથે જ પ્લાસ્ટિકની થેલીઓ, જૂના કપડાં અને અન્ય કચરાના દર્શના પડે છે, જે ધાર્મિક સ્થળની ગરિમાને કલંકિત કરતી અત્યંત શરમજનક બાબત છે. રણુજા મંદિરનો આ રસ્તો ખૂબ જ વ્યસ્ત છે, જ્યાં સતત વાહનો અને રાહદારીઓની ભારે અવરજવર રહે છે. દિવસભરમાં હજારો નાગરિકો આ રસ્તા પરથી પસાર થાય છે. આવી ભીડભાડવાળી અને સાર્વજનિક જગ્યાએ ખુલ્લામાં પડેલો કચરો લોકોના આરોગ્ય માટે ગંભીર ખતરો ઊભો કરી રહ્યો છે.

ખાસ કરીને અહીં ફેંકવામાં આવતો પ્લાસ્ટિકનો કચરો પર્યાવરણને લાંબા ગાળાનું નુકસાન પહોંચાડી રહ્યો છે. આ ગંદકીમાંથી પેદા થતા બેક્ટેરિયા અને દુર્ગંધ કોઈપણ સમયે મોટા રોગચાળાને નોતરી શકે છે, છતાં તંત્ર અને જવાબદાર લોકો જાણે આંખ આડા કાન કરી રહ્યા છે. એક તરફ સ્વચ્છતા અભિયાનની મોટી મોટી વાતો થાય છે, ત્યારે બીજી તરફ ધાર્મિક સ્થળોની આસપાસની આવી દુર્દશા સ્થાનિક તંત્ર (RMC) ની કામગીરી પર સવાલો ઊભા કરે છે. આ વિસ્તારમાં સફાઈની યોગ્ય વ્યવસ્થા થાય, કચરાનો તાત્કાલિક નિકાલ થાય અને યોગ્ય જગ્યાએ કચરાપેટીઓ મુકાય તે સમયની તાતી જરૂરિયાત છે. જોકે, આ પરિસ્થિતિ માટે માત્ર તંત્રને દોષ દેવો પણ યોગ્ય નથી. આસપાસના લોકો અને મંદિરે આવતા શ્રદ્ધાળુઓએ પણ જાગૃત થઈને પોતાની સામાજિક ફરજ સમજવી પડશે. ધાર્મિક સ્થળની પવિત્રતા જાળવવી એ સૌની સામૂહિક જવાબદારી છે.