3 ઇંચ વરસાદે રાજકોટને ઠંડુગાર બનાવી દીધું
- મહાપલિકાના દાવા ધોવાયા; ઠેર-ઠેર પાણી ભરાયા, લોકો ત્રાહીમામ
- આજી-2 ઓવરફ્લો; ભાદર-2 ડેમનાં પાંચ દરવાજા ખોલાયા
સિટી ન્યૂઝ@રાજકોટ
શહેરમાં રાત્રીના ૧૨ વાગ્યાથી સાંજના ૪ વાગ્યા સુધી ૩.૫ ઇંચ વરસાદ વરસી ચુક્યો છે જ્યારે જિલ્લામાં પણ વીરપુર અને જામકંડોરણામાં ૮-૮ ઈંચ, જેતપુરમાં ૬.૫ ઈંચ અને ગોંડલમાં ૫ ઈંચ વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારોમાં નદી નાળા બે કાંઠે વહેવા લાગ્યા છે. બીજી તરફ જળાશયોમાં પણ નોંધપાત્ર પાણીની આવક થતા આજી-૨ અને ભાદર-૨ ડેમ છલોછલ થયા છે જ્યારે જેતપુરનો સુગવો ડેમ ૯૦% ભરાઈ જતા ડેમના હેઠવાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. હજુ પણ ૩ દિવસ વરસાદની આગાહી પગલે
વરસાદી માહોલ વચ્ચે ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ શહેરમાં ગઈકાલે રાત્રીના ૧૦ વાગ્યાથી સતત વરસાદ વરસી રહ્યો છે જેમાં રાત્રીના ૧૨ વાગ્યાથી ૧.૩૦ વાગ્યા સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે શહેરમાં કુલ વરસાદ છેલ્લા ૨૪ કલાકમાં ૩ ઇંચ સુધી નોંધાઈ ચુક્યો છે. આજે સાંજના ૪ વાગ્યા સુધી રાજકોટ શહેરમાં સિઝનનો કુલ વરસાદ ૯ ઇંચ નોંધાયો છે જેમાં સેન્ટ્રલ ઝોનમાં ૨૨૩ mm, ઇસ્ટ ઝોનમાં ૨૧૮ mm અને વેસ્ટ ઝોનમાં ૨૪૮ mm નોંધાયો છે. હજુ પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે અને સાંજે ૬ વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
- કુંકાવાવ, વડીયામાં 4 ઇંચ, બગસરામાં 6 ઇંચ
- સૌરાષ્ટ્રભરમાં 1થી 8 ઇંચ વરસાદ
- અમરેલી-બગોદરા હાઈ-વેનું ધોવાણ : અનેક રસ્તાઓ બંધ
સૌથી વધુ વરસાદ વીરપુર અને જામકંડોરણામાં સવારે ૮ વાગ્યા સુધીમાં ૮ ઇંચ, જેતપુરમાં ૬.૫ ઈંચ અને ગોંડલમાં ૫ ઈંચ, લોધિકામાં ૪ ઈંચ, જસદણમાં ૨ ઈંચ, ધોરાજીમાં ૨ ઈંચ અને કોટડા સાંગાણીમાં ૩ ઇંચ વરસાદ નોંધાયો છે.
- અંબાલાલ પટેલે કહ્યું, હવે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદના બદલાતા માહોલ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એક મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર આગામી ૪૮ કલાક દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ વધુ સક્રિય બનવાની શક્યતા છે. રાજ્ય પર એક મજબૂત વરસાદી સિસ્ટમ કેન્દ્રિત થવાના કારણે મોટા ભાગના જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ પડી શકે છે.અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, જ્યાં અત્યાર સુધી ઓછો વરસાદ નોંધાયો છે, તેવા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ સારા વરસાદની શક્યતા છે. રાજકોટ સહિત આસપાસના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, સુરેન્દ્રનગર, હળવદ અને ધાંગધ્રા સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સર્જાઈ શકે છે. જ્યારે બોટાદ અને ભાવનગર જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.તે ઉપરાંત કચ્છ જિલ્લામાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા અને પોરબંદરમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે, જ્યારે જામનગરમાં પણ હળવા વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે.