Loading Please Wait !!!
RTE પ્રવેશમાં ખોટી વિગતો ભરી તો વાલીઓ જશે જેલભેગે! અમદાવાદ DEOની 'ફાઈનલ' વોર્નિંગ

  • આવક છુપાવી બાળકને એડમિશન અપાવનાર સામે નોંધાશે ફોજદારી ગુનો - 4 એપ્રિલથી ફોર્મ ભરવાની શરૂઆત
  • 6 લાખની આવક મર્યાદાનું પાલન અનિવાર્ય - અમદાવાદની 1,343 શાળાઓમાં 14,177 બેઠકો પર થશે ભરતી
  • ઇન્કમટેક્સ રિટર્ન અને આવકના પુરાવાની થશે ઝીણવટભરી તપાસ - 17 એપ્રિલ સુધી ભરી શકાશે ઓનલાઇન ફોર્મ

ગુજરાતમાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ (RTE) અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ખાનગી શાળાઓમાં 25 ટકા અનામત બેઠકો પર પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં આશરે 14 હજારથી વધુ બેઠકો પર ગરીબ અને મધ્યમ વર્ગના તેજસ્વી બાળકોને મફત શિક્ષણ માટે પ્રવેશ ફાળવવામાં આવનાર છે. જોકે, ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ થાય તે પહેલાં જ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી (DEO) રોહિત ચૌધરીએ વાલીઓને અત્યંત કડક શબ્દોમાં ચેતવણી આપી છે.

આવક છુપાવવી પડશે ભારે RTE હેઠળ પ્રવેશ મેળવવા માટે વાલીની વાર્ષિક આવક ₹6 લાખથી ઓછી હોવી અનિવાર્ય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં એવું જોવા મળ્યું છે કે આર્થિક રીતે સક્ષમ વાલીઓ પણ આવક ઓછી બતાવી, ખોટા આવકના દાખલા રજૂ કરી ગરીબ બાળકોનો હક છીનવી લેતા હોય છે. આ વર્ષે આવી ગેરરીતિ રોકવા માટે શિક્ષણ વિભાગ સજ્જ બન્યું છે. DEO એ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વાલી આવક છુપાવશે અથવા ઇન્કમટેક્સ રિટર્ન (ITR) ના પુરાવા છુપાવી ખોટી માહિતી ભરશે, તો તેમના બાળકનો પ્રવેશ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવશે.

ફોજદારી ગુનો દાખલ કરવાની તૈયારી માત્ર એડમિશન રદ કરવાથી સંતોષ ન માનતા, ખોટા ડોક્યુમેન્ટ્સ સબમિટ કરનાર વાલીઓ સામે ફોજદારી ગુનો (Criminal Case) દાખલ કરવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, ખોટી માહિતી આપીને હકદાર એવા ગરીબ વિદ્યાર્થીઓને પ્રવેશથી વંચિત રાખવા એ ગંભીર અપરાધ છે. વાલીઓએ ફોર્મ ભરતી વખતે 13 પ્રકારના અગ્રતાક્રમ અને જરૂરી પુરાવાઓની ઝીણવટભરી તપાસ કરવી પડશે.

4 એપ્રિલથી ઓનલાઇન રજિસ્ટ્રેશન અમદાવાદ શહેરની 1,343 સ્વનિર્ભર શાળાઓની 14,177 બેઠકો માટે આગામી 4 એપ્રિલથી 17 એપ્રિલ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. ડિસેબલ (દિવ્યાંગ) વિદ્યાર્થીઓને ઉંમર મર્યાદામાં પણ છૂટછાટ આપવામાં આવી છે. વાલીઓએ એક ખાસ બાબત એ પણ ધ્યાનમાં રાખવાની રહેશે કે એકવાર ઓનલાઇન પોર્ટલ દ્વારા શાળાની પસંદગી અને ફાળવણી થઈ ગયા બાદ, અન્ય કોઈ શાળામાં ટ્રાન્સફરની કોઈ જોગવાઈ રાખવામાં આવી નથી.

તંત્રના આ કડક વલણથી આશા સેવાઈ રહી છે કે આ વર્ષે RTE હેઠળ માત્ર તે જ બાળકોને પ્રવેશ મળશે જે ખરેખર તેના હકદાર છે. વાલીઓએ કોઈપણ એજન્ટ કે વચેટિયાની વાતોમાં આવી ખોટા રસ્તા અપનાવવાને બદલે પારદર્શક રીતે પ્રક્રિયા પૂર્ણ કરવા અપીલ કરવામાં આવી છે.