ટ્રાઈના નવા નિયમો: મોબાઇલ-બ્રોડબેન્ડ નેટવર્ક લાંબુ બંધ રહે તો ગ્રાહકોને મળશે વળતર!
-
ગુણવતા સુધારવા માટે ટ્રાઈ દ્વારા નવા નિયમોનો ડ્રાફટ જાહેર કરાયો છે.
-
ચાર સેકન્ડ કે તેથી વધુ સમય અવાજ ન આવે તેને સાયલેન્ટ કોલ ગણાશે.
-
ત્રિમાસિક ધોરણ પૂરું ન કરનાર કંપનીઓ સામે નાણાકીય દંડ લગાવી શકાશે.
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
નવી દિલ્હી, દૂરસંચાર નિયામક (ટ્રાઈ)એ મોબાઈલ અને બ્રોડબેન્ડ સેવાઓની ગુણવતા સુધારવા માટે નવા નિયમોનો ડ્રાફ્ટ જાહેર કર્યો છે. આ પ્રસ્તાવ અનુસાર જો કોઈ જિલ્લામાં મોબાઈલ કે બ્રોડબેન્ડ નેટવર્ક સતત ૪ કલાક કે તેથી વધુ સમય માટે બંધ રહે છે તો તેને મોટું આઉટેજ માનવામાં આવશે અને જો આ સમસ્યા ૨૪ કલાકથી વધુ સમય સુધી ચાલુ રહે છે તો કંપનીએ ગ્રાહકને વળતર આપવું પડશે.
નવા પ્રસ્તાવ મુજબ પોસ્ટપેઈડ ગ્રાહકોના મામલામાં જેટલા દિવસ નેટવર્કને અસર થશે એટલા દિવસનું ભાડું આગામી બિલમાં માફ કરવામાં આવશે, જ્યારે પ્રીપેઈડ ગ્રાહકોના મામલામાં પ્લાનની માન્યતાને અસર થયેલા દિવસોની સંખ્યા જેટલી વધારી દેવામાં આવશે.
આ ઉપરાંત, કોલ કનેક્ટ થયા બાદ અવાજ ન આવવાની 'સાયલેન્ટ કોલ' ની સમસ્યા રોકવા માટે પણ કંપનીઓની જવાબદારી નક્કી કરવામાં આવી છે અને તેનો બેન્ચમાર્ક ૧ ટકા કે તેથી ઓછો રાખવા સૂચવાયું છે. ૫-જી સેવાઓમાં ગુણવતા જાળવવા માટે દૈનિક રેડિયો રિસોર્સનો ઉપયોગ ૮૦ ટકાથી વધુ ન હોવાની જોગવાઈ કરાઈ છે, અને આ નવા પરિવર્તનોને ૧ ઓક્ટોબરથી લાગુ કરવાનો પ્રસ્તાવ છે.
ટેલિકોમ સેવાની ગુણવતા
ગ્રાહકોને અરાજકતા કે નેટવર્ક વગરની મુશ્કેલીઓમાંથી રાહત આપવા માટે સરકારી નિયમનકારો દ્વારા સમયાંતરે આ પ્રકારના કડક પગલાં અને ધોરણો નક્કી કરવામાં આવતા હોય છે.