સલમાન ખાન અને બહેન અલવીરાને ચંદીગઢ કોર્ટ દ્વારા છેતરપિંડી કેસમાં સમન!
-
આ મામલો વર્ષ ૨૦૧૮ ના જ્વેલરી શોરૂમ ખોલવા સાથે સંકળાયેલો છે.
-
વર્ષ ૨૦૨૧ માં બિઝનેસમેન દ્વારા કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
-
'સ્ટાઇલ એન્ડ કન્ટેન્ટ જ્વેલરી પ્રાઈવેટ લિમિટેડ'ના ડાયરેક્ટરોને પણ સમન અપાયું છે.
સિટી ન્યુઝ @ ચંદીગઢ
ચંદીગઢ, બોલિવુડ સ્ટાર સલમાન ખાન, તેની બહેન અલવીરા અને 'બીઈંગ હ્યુમન' સંસ્થાના ડાયરેક્ટરોને ચંદીગઢ જિલ્લા અદાલતે છેતરપિંડીના એક કેસમાં સમન ઈશ્યુ કર્યું છે. આ મામલો વર્ષ ૨૦૨૧ નો છે, જ્યારે ચંદીગઢના એક બિઝનેસમેન અરુણ ગુપ્તાએ તેમની વિરુદ્ધ ફરિયાદ કરી હતી. અદાલતે સલમાન ખાન અને અલવીરા ખાન અગ્નિહોત્રી સહિત 'સ્ટાઈલ એન્ડ કન્ટેન્ટ જ્વેલરી પ્રાઈવેટ લિમિટેડ' ના ડાયરેક્ટરોને આગામી ૫ ઓક્ટોબરે રજૂ થવા અને આરોપો પર પોતાનો જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.
ફરિયાદી અરુણ ગુપ્તાના જણાવ્યા મુજબ, તેઓ કેટલાક વર્ષ પહેલાં બિગબોસના સેટ પર સલમાન ખાનને મળ્યા હતા, જ્યાં તેમને મનીમાજરામાં 'બીઈંગ હ્યુમન' જ્વેલરી શોરૂમ ખોલવા માટે રાજી કરવામાં આવ્યા હતા. સલમાનના વિશ્વાસ પર તેમણે ફ્રેન્ચાઈઝી લઈને અંદાજે ત્રણ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.
પરંતુ શોરૂમ શરૂ થયા બાદ કંપની દ્વારા બિઝનેસ સપોર્ટનો વાયદો પૂરો કરવામાં આવ્યો ન હતો અને સ્ટોર અચાનક બંધ કરી દેવાયો હતો, જેના કારણે ધંધા પર માઠી અસર પડી હતી અને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો આક્ષેપ કરાયો છે.