રાજકોટના વડ વાજડીમાં ખરાબ રસ્તાથી લોકો ત્રસ્ત, તંત્ર નિદ્રામાં
» રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ગામમાં ડગલે ને પગલે મસમોટા ખાડા
» વાહનચાલકો અને રાહદારીઓને રોજીંદી અવરજવરમાં ભારે હાલાકી, અકસ્માતોનો સતત ભય
» લેખિત અને મૌખિક રજૂઆતો છતાં નિર્ભર અધિકારીઓના પેટનું પાણી હલતું નથી
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ શહેર સ્માર્ટ સિટી તરફ હરણફાળ ભરી રહ્યું હોવાના બનાગા ફૂંફવામાં આવે છે, પરંતુ શહેરની ભાગોળે કાલાવડ રોડ પર આવેલા વડ વાજડી ગામની વાસ્તવિકતા વહીવટી તંત્રની પોલ ખોલી રહી છે. અર્થાત્ મુખ્ય અને આંતરિક રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયા છે. રસ્તાઓ પર પડેલા મસમોટા ખાડાઓના કારણે સ્થાનિક લોકો, વાહનચાલકો અને રાહદારીઓનું જીવન દોઝખ બની ગયું છે. તંત્ર સમક્ષ અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં, કુંભકર્ણની નિદ્રામાં પોઢી ગયેલા તંત્રના કાન સુધી લોકોની બૂમ પહોંચતી નથી. આખરે
ત્રસ્ત થયેલા ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે રોડનું સમારકામ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. કાલાવડ રોડ પર આવેલ વડ વાજડી ગામ ભૌગોલિક રીતે અત્યંત મહત્વનું છે. દરરોજ અહીંથી ૧૦૦૦ થી વધુ નાના-મોટા વાહનોની અવરજવર રહે છે. આમ છતાં, ગામના મુખ્ય પ્રવેશદ્વારથી લઈને આંતરિક શેરીઓ સુધીના ૧૦૦ ટકા રસ્તાઓ ધોવાઈ ગયા છે. ડામર ક્યાંય જોવા મળતો નથી અને માત્ર ધૂળ અને મોટા પથ્થરો જ બચ્યા છે. ૧૦ મિનિટનું અંતર કાપવામાં વાહનચાલકોને ૩૦ મિનિટનો સમય લાગી રહ્યો છે, જે દર્શાવે છે કે અહીં વિકાસ માત્ર સરકારી ચોપડે જ થયો છે.
ખાડારાજથી રાહદારીઓ ત્રસ્તઃ અકસ્માતોનો ડર
રસ્તાની બિસ્માર હાલતના કારણે સૌથી વધુ હાલાકી ૨ વ્હીલર ચાલકો અને પગપાળા ચાલતા રાહદારીઓને ભોગવવી પડી રહી છે. મસમોટા ખાડાઓને કારણે વાહનો સ્લિપ થવાના અને વુક્ષો સામે આવ્યા છે. ૪ વ્હીલર વાહનોમાં પણ મોટું નુકસાન થઈ ગયું છે. શાળાએ જતા વિદ્યાર્થીઓ અને વુક્ષો માટે આ રસ્તા પર ચાલવું એ જીવના જોખમ સમાન બની ગયું છે. ધૂળની કમરીઓના કારણે લોકોને શ્વાસ અને આંખની બીમારીઓનો ભોગ બનવું પડી રહ્યું છે.
તંત્ર સમક્ષ રજૂઆતોનો કોઈ જ અર્થ નહીંઃ ફાઈલો ધૂળ ખાતી રહી
સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોના જણાવ્યા મુજબ, છેલ્લા ૬ મહિનામાં પંચાયતથી લઈને જિલ્લા સ્તરના સંબંધિત અધિકારીઓને ૫ થી વધુ વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. રોડની ખરાબ હાલતના ફોટોઓ અને આવેદનપત્રો પણ આપવામાં આવ્યા છે. છતાં પણ ક્રોનિક બેદરકારી ધરાવતા તંત્રએ હજુ સુધી કોઈ જ અસરકારક કાર્યવાહી કરી નથી. અધિકારીઓ એકબીજા પર જવાબદારી ઢોળીને હાથ અધ્ધર કરી રહ્યા હોવાનો સ્થાનિકોનો સીધો આક્ષેપ છે.
પ્રાથમિક સુવિધાઓથી વંચિત ગામલોકોની તાત્કાલિક રોડના સમારકામ માટે ઉગ્ર માંગ
અગાઉ પણ વડ વાજડી વિસ્તારમાં ગટર, પીવાનું પાણી અને લાઈટ સહિતની પ્રાથમિક સુવિધાઓ અંગે રજૂઆતો થઈ ચૂકી છે, જેને હજુ સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. હવે બિસ્માર રોડની સમસ્યાએ બલતામાં ઘી હોવાનું કામ કર્યું છે. ગ્રામજનોએ આક્રોશ સાથે અલટીમેટમ આપ્યું છે કે આગામી ૧૫ દિવસમાં યુદ્ધના ધોરણે રોડનું સમારકામ શરૂ કરવામાં નહીં આવે, તો કાલાવડ રોડ પર ચક્કાજામ કરી ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્રની રહેશે.