Loading Please Wait !!!
બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવ ફરી એકવાર ગંભીર આર્થિક મુશ્કેલીમાં ફસાયા!

 

  • બેંક રેકોર્ડ મુજબ બંને સંપત્તિઓની બજાર કિંમત અંદાજે રૂ. ૩.૧૯ કરોડ છે.

  • ચેક બાઉન્સના લાંબા સમયથી ચાલતા વિવાદો વચ્ચે મુશ્કેલીઓમાં મોટો વધારો થયો.

  • મુંબઈમાં પણ તેમની અન્ય સંપત્તિઓની નીલામીની પ્રક્રિયા સમાંતર ચાલી રહી છે.

સિટી ન્યુઝ @ મુંબઈ

મુંબઈ, બોલિવૂડના જાણીતા અને લોકપ્રિય અભિનેતા રાજપાલ યાદવ ફરી એકવાર ગંભીર કાનૂની અને આર્થિક મુશ્કેલીઓમાં ફસાયા છે. ચેક બાઉન્સના લાંબા સમયથી ચાલતા વિવાદાસ્પદ મામલાની વચ્ચે હવે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, મુંબઈ દ્વારા ઉત્તર પ્રદેશના શાહજહાપુરમાં આવેલી તેમની બે મુખ્ય સંપત્તિઓ પર નીલામીની સત્તાવાર નોટિસ ફટકારવામાં આવી છે, જેને લઈને ફિલ્મ જગતમાં ભારે ચર્ચા જાગી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાજપાલ યાદવે પોતાની ફિલ્મ 'અતા પતા લાપતા' ના નિર્માણ માટે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી મોટી રકમની લોન લીધી હતી, જે સમયસર ન ચૂકવાતા વ્યાજ સહિત આ રકમ વધીને આશરે રૂ. ૧૬,૬૧,૬૪,૦૦૦ સુધી પહોંચી ગઈ છે. આ રકમની વસૂલાત માટે બેંકે તેમની ગીરો રાખેલી પ્રોપર્ટીને કબજામાં લઈને નીલામીની પ્રક્રિયા તેજ કરી દીધી છે, જે આગામી ૯ સપ્ટેમ્બરે ઓનલાઈન હાથ ધરવામાં આવશે.

શાહજહાપુરમાં આવેલી આ પ્રોપર્ટીઓની બજાર કિંમત અંદાજે રૂ. ૩,૧૯,૨૬,૦૦૦ આંકવામાં આવી છે. આ લોન માટે રાધા યાદવ અને માતા ગોદાવરી યાદવની સંપત્તિઓને પણ ગેરંટર તરીકે ગીરો રાખવામાં આવી હતી. શાહજહાપુર ઉપરાંત મુંબઈમાં પણ તેમની અન્ય સંપત્તિઓની નીલામીની પ્રક્રિયા સમાંતર ચાલી રહી છે, જેના કારણે અભિનેતા માટે મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે.