ભારતનું પ્રથમ માનવરહીત 'ગગનયાન' મિશન આ વર્ષના અંત સુધીમાં થશે લોન્ચ!
-
સરકારે લોકસભામાં મહત્વાકાંક્ષી સ્પેસ પ્રોજેક્ટ અંગે આપી મહત્વની માહિતી.
-
જરૂરી ટેકનોલોજી, પ્રોપલ્શન સ્ટેજ અને લાઈફ સપોર્ટ સિસ્ટમ તૈયાર કરાઈ.
-
વર્ષ ૨૦૨૭ સુધીમાં આવા બે માનવરહીત મિશન માટે ઈસરોને મંજૂરી અપાઈ.
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
નવી દિલ્હી, ભારતમાં અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે હરણફાળ ભરવાની તૈયારી છે અને દેશના પ્રથમ માનવરહીત અવકાશયાનથી લઈને દેશની પ્રથમ સ્પેસ લેબ માટે આયોજનબદ્ધ કામગીરી ચાલી રહી છે. સરકારે લોકસભામાં માહિતી આપતા જણાવ્યું છે કે ભારતનું પ્રથમ માનવરહીત અવકાશ સાહસ 'ગગનયાન' આ વર્ષના અંત પૂર્વે જ લોન્ચ કરવાની યોજના છે, જ્યારે ૨૦૩૫ સુધીમાં ભારતની પોતાની સ્પેસ લેબ પણ સ્થાપિત થઈ જશે.
આ મહત્વાકાંક્ષી મિશન માટે જરૂરી ટેકનોલોજી અને સિસ્ટમ પર કામ પૂર્ણ થઈ રહ્યું છે. હ્યુમન રેટેડ લોન્ચ વ્હીકલના તમામ પ્રોપલ્શન સ્ટેજ, સ્ટ્રક્ચર નિર્માણ અને એન્વાયર્મેન્ટલ કંટ્રોલ તથા લાઈફ સપોર્ટ સિસ્ટમ તૈયાર કરી દેવામાં આવી છે. આ ઉપરાંત થર્મલ પ્રોટેક્શન સિસ્ટમ, ડિસેલરેશન સિસ્ટમ અને ક્રૂ મોડ્યુલ અપ રાઈટિંગ સિસ્ટમનું ડેવલપમેન્ટ તેમજ ટેસ્ટિંગ પણ પૂર્ણ થયું છે.
કટોકટીના સમયે અવકાશયાત્રીઓને બચાવી શકાય તે માટેની ક્રૂ એસ્કેપ સિસ્ટમ ચકાસી લેવામાં આવી છે અને આ મિશનમાં રોબોટ 'વ્યોમ મિત્ર'નું પરીક્ષણ પણ તૈયાર છે. સરકારે ૨૦૨૭ સુધીમાં આવા બે માનવરહીત મિશન માટે ઈસરોને લીલી ઝંડી આપી છે, અને આ તમામ અંતરિક્ષ મિશન માટે ૨૦૨૪ માં રૂ. ૨૦,૧૯૩ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે.
અવકાશ વિજ્ઞાન અને ટેકનોલોજી
દેશની વૈજ્ઞાનિક ક્ષમતાઓ અને અંતરિક્ષ સંશોધનોમાં થઈ રહેલી આ પ્રગતિ ભારતને વૈશ્વિક સ્તરે અગ્રેસર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.