ગુજરાતમાં ડરાવનારા આંકડા કેન્સરથી દરરોજ 119ના મોત!
કેન્સર એલાર્મ: એક વર્ષમાં 43572 દર્દીઓના મોત
સિટી ન્યૂઝ@ગાંધીનગર
ગુજરાતમાં કેન્સરના કેસની સાથે આ બીમારીથી થતાં મોતના કેસ સતત વધી રહ્યા છે. વર્ષ ૨૦૨૫માં ગુજરાતમાં અંદાજે ૭૯,૨૧૭ જેટલા કેસ સામે આવ્યા હતા જ્યારે ૪૩,૫૭૨ દર્દીઓનાં મોત થયાનો અંદાજ છે. આમ ગુજરાતમાં પ્રતિ દિવસે ૧૧૯થી ૧૨૦ જેટલા કેન્સરના દર્દીના મોત થવાનો અંદાજ છે, જે હકીકતે ચિંતાજનક છે. વર્ષ ૨૦૨૫માં દેશમાં ૧૫.૬૯ લાખ જેટલા નવા કેન્સર કેસ અને ૮.૬૮ લાખ મોતોનો અંદાજ છે.ગુજરાતમાં કેન્સરના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના અંદાજ મુજબ ભારતમાં ૭૫ વર્ષની ઉંમર પહેલાં કેન્સર થવાનું જોખમ ૧૦.૭ ટકા છે એટલે કે અંદાજ દર ૧૦માંથી એક વ્યક્તિને જીવનકાળમાં ૭૫ વર્ષની ઉંમર પહેલાં કેન્સર થવાનું જોખમ છે.
અમદાવાદ સિવિલ કેમ્પસની કેન્સર હોસ્પિટલ-જીસીઆરઆઈની વાત કરીએ તો વર્ષ ૨૦૨૫માં કેન્સરના ૫,૯૦૬ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી, વર્ષ ૨૦૧૧થી ૨૦૨૫ના અરસામાં એટલે કે પાંચ વર્ષમાં ૨૮,૩૫૨ દર્દીઓને સારવાર આપવામાં આવી છે. તમાકુ અને દારૂના વધુ પડતાં સેવનથી મોં, ગળાના ભાગે કેન્દ્ર કેસ મોટા પાયે જોવા મળ્યા છે. મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર અને સર્વાઈકલ કેન્સરનું પ્રમાણ વધુ જોવા મળે છે. દેશમાં દર વર્ષે સર્વાઈકલ કેન્સરના ૧.૨૭ લાખ જેટલા કેસ નોંધાય છે, દર ૪ મિનિટે એક મહિલાને કેન્સરનું નિદાન થાય છે અને દર ૭ મિનિટે એક મહિલાનું આ કેન્સરથી મોત થાય છે.