QR કોડથી બુક કરો ગણેશજીની રૂા.500માં એક ફૂટની મૂર્તિ
- ભક્તિ સાથે પર્યાવરણ; રાજકોટ મહાપાલિકાએ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની ઈકો-ફ્રેન્ડલી ગણેશોત્સવ માટે નવી પહેલ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મહાપાલિકા અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સંયુક્ત ઉપક્રમે શહેરમાં પર્યાવરણ સંરક્ષણ અને જનજાગૃતિ વધારવા એક અભૂતપૂર્વ આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૪ સપ્ટેમ્બરથી શરૂ થતા ગણેશ મહોત્સવને ધ્યાનમાં રાખીને લોકો માટે ખાસ ૧૦,૦૦૦ ઈકો-ફ્રેન્ડલી માટીના ગણેશજીની મૂર્તિઓનું વિતરણ કરવામાં આવનાર છે. જેમાં QR કોડ દ્વારા રજીસ્ટ્રેશન કરાવનારા નાગરિકઓને ૧ ફૂટની મૂર્તિ માત્ર રૂ. ૫૦૦ જેવી નજીવી કિંમતમાં આપવામાં આવશે. મેયર ડૉ. નેહલ શુક્લએ જણાવ્યું હતું કે, આયોજનનો સૌથી મોટો ફાયદો રાજકોટના નાગરિકોને આર્થિક રાહત અને સરળતાના સ્વરૂપે મળશે. બજારમાં સામાન્ય રીતે ઈકો-ફ્રેન્ડલી માટીની મૂર્તિઓ ઊંચા ભાવે વેચાતી હોય છે, પરંતુ આ યોજના હેઠળ ૧ ફૂટની ઊંચાઈ ધરાવતી
શુદ્ધ માટીની ગણેશ મૂર્તિ માત્ર રૂ. ૫૦૦ના રાહત દરે પૂરી પાડવામાં આવશે. આ માટે મહાપાલિકા કોઈ આર્થિક ખર્ચ નહીં કરે, પરંતુ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળને વ્યવસ્થાપકીય સહયોગ આપશે. મૂર્તિ બુક કરાવવા માટે નાગરિકોએ ક્યાંય લાંબી લાઈનોમાં ઉભા રહેવાની જરૂર નથી. માત્ર QR કોડ સ્કેન કરીને પોતાની જરૂરી વિગતો ભરીને ઘરમાં કે વ્યવસાયના સ્થળે સ્થાપના માટે મૂર્તિનું સરળતાથી બુકિંગ કરાવી શકાશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, નાગરિકોની સુવિધા માટે શહેરની સેલ્ફ ફાયનાન્સ શાળાઓને વિતરણ કેન્દ્ર તરીકે નક્કી કરવામાં આવી છે, જેથી લોકો પોતાના નજીકના વિસ્તારમાંથી જ સહેલાઈથી મૂર્તિ મેળવી શકાશે. ચાલુ વર્ષે ટૂંકા સમયગાળાને કારણે માત્ર ૧૦,૦૦૦ મૂર્તિઓનું મર્યાદિત આયોજન શક્ય બન્યું છે, પરંતુ ભવિષ્યમાં આ પહેલોને વધુ વ્યાપક બનાવાશે. તેમજ આવતા વર્ષથી મહાનગરપાલિકા દ્વારા
સ્વતંત્ર ટેન્ડર બહાર પાડીને વિશાળ સંખ્યામાં માટીની મૂર્તિઓનું નિર્માણ કરાવવામાં આવશે, જેથી વધુમાં વધુ શહેરીજનો લાભ લઈ શકે. ઉપરાંત, ભક્તોને વિસર્જન માટે દૂર જવું પડે તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં વિશેષ કૃત્રિમ વિસર્જન કુંડ બનાવવાનું પણ આયોજન છે.
શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી. મહેતાએ સમગ્ર મામલે જણાવ્યું હતું કે પ્લાસ્ટર ઓફ પેરિસ (POP) અને કેમિકલયુક્ત રંગોથી બનેલી મૂર્તિઓના વિસર્જનથી જાહેર જળ સ્રોતો અને જળચર જીવસૃષ્ટિને ગંભીર નુકસાન પહોંચે છે. POP પાણીમાં લાંબા સમય સુધી ઓગળતું નથી, જ્યારે રાસાયણિક રંગોના ઝેરી તત્વો માછલીઓ સહિતના જળચરો માટે પ્રાણઘાતક બને છે. ત્યારે આવી રીતે કુદરતી માટીમાંથી બનેલી મૂર્તિઓનો પૂજામાં ઉપયોગ થવાથી જળાશયોનું પ્રદૂષણ અટકશે.