યુપીઆઈ વ્યવહારો પર એમડીઆર ચાર્જ અને સબસીડી પાછી ખેંચવાના નિર્ણય સામે દેશભરમાં ભારે વિરોધ
-
અત્યાર સુધી સરકાર દ્વારા આપવામાં આવતી આશરે રૂા. ૨૦૦૦ કરોડની સબસીડી કરાઈ પરત
-
ડેબિટ-ક્રેડીટ કાર્ડની જેમ યુપીઆઈમાં પણ મર્ચન્ટ બેન્કીંગ ચાર્જ વ્યાપારીઓએ ભોગવવાનો વારો
-
રૂા. ૧ લાખના ટર્નઓવર પર અપાતી ૦.૧૫ ટકા સબસીડી બંધ થવાથી વ્યાપારીઓમાં રોષ
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
દેશમાં યુપીઆઈ (UPI) ના વ્યવહારો પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ ચાર્જ (MDR) વસૂલવા માટેનું માળખું જાહેર થતાની સાથે જ દેશભરમાં સામાન્ય લોકો તેમજ વ્યાપારી વર્ગમાંથી ભારે વિરોધ શરૂ થઈ ગયો છે. સરકાર દ્વારા આ ચાર્જનો અમલ શરૂ થાય તે પૂર્વે જ તેના પ્રત્યાઘાતો પડવા લાગ્યા છે, જેનાથી સરકાર પણ સાવધ થઈ ગઈ છે. વાસ્તવિક સ્થિતિ એ છે કે સરકાર અત્યાર સુધી રૂા. ૨૦૦૦થી નીચેના વ્યવહારો પર જે સબસીડી આપતી હતી, તે તા. ૧૫ ના રોજ ચાર્જેબલ યુપીઆઈ સિસ્ટમ અમલી બનતાની સાથે જ પાછી ખેંચી લેશે. છેલ્લા અંદાજ મુજબ સરકારે આ અંગે અંદાજે રૂા. ૨૦૦૦ કરોડની સબસીડી આપી હતી, જે હવે બંધ થવા જઈ રહી છે.
આ નિર્ણયના કારણે રૂા. ૨૦૦૦ થી ઓછાના વ્યવહારોમાં હવે જે પણ ટ્રાન્જેક્શન ખર્ચ થશે, તે સંબંધિત વ્યાપારીઓએ જ ભોગવવાનો રહેશે. સૂત્રોના જણાવ્યા મુજબ સરકારની દલીલ છે કે રૂા. ૨૦૦૦થી ઉપરના વ્યવહાર પર ચાર્જ વસૂલવાની છૂટ અપાઈ છે, તેથી આ પ્રકારે નીચા સ્તરના વ્યવહારોનો ખર્ચ વ્યાપારીઓએ ભોગવવો પડશે. હાલ ડેબિટ-ક્રેડીટ કાર્ડ તથા અન્ય ડિજિટલ પેમેન્ટ વ્યવહારમાં આ પ્રકારે મર્ચન્ટ બેન્કીંગ ચાર્જ જો ગ્રાહક પાસેથી ન વસૂલાય તો તે વ્યાપારીને ચૂકવવો જ પડે છે, અને તેથી જ ક્રેડીટ-ડેબિટ કાર્ડના વ્યવહારો પર વ્યાપારીઓ ગ્રાહક પાસેથી ચાર્જ વસૂલે છે.
આ તરફ સરકારને એવો પણ છૂપો ભય સતાવી રહ્યો છે કે જો બેંકો રૂા. ૨૦૦૦ સુધીના ચાર્જમાં વ્યાપારીઓ પાસેથી કાર્ડની જેમ ચાર્જ વસૂલશે, તો વ્યાપારીઓ તે રકમ સીધી ગ્રાહકો પાસેથી જ વસૂલ કરશે. આ ઉપરાંત, રૂા. ૧ લાખના ટર્નઓવર પર અપાતી ૦.૧૫ ટકા સબસીડી (એટલે કે રૂા. ૧૦૦ ના વ્યવહાર પર ૧૫ પૈસા સબસીડી) બંધ થવાથી તે કોણ ભોગવશે મોટો પ્રશ્ન બન્યો છે. યુપીઆઈના આ વ્યવહારો ચાર્જેબલ થવાથી રિટેલ બિઝનેસમાં ફરીથી રોકડ (કેશ) વ્યવહારો શરૂ થઈ જશે તેવી વ્યાપક ભીતિ સેવાઈ રહી છે.
ખાસ કરીને પેટ્રોલપંપ કે રિટેલ સ્ટોર્સ જેવા સ્થળોએ જ્યાં નફાનું માર્જિન ખૂબ ઓછું હોય છે, ત્યાં રોકડ વ્યવહારો વધવાની ચિંતાને કારણે સરકારે ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા પેટ્રોલિયમ ટ્રેડર્સને રૂા. ૨૦૦૦થી વધુના પેમેન્ટ રોકડેથી લેવા સામે ચેતવણી પણ આપી છે. જો કે, ફેડરેશનના પ્રવકતા મોન્ટી સેહેગલે સરકારને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે તેઓ અત્યંત પાતળા માર્જિન સાથે વેપાર કરે છે અને ખર્ચ સતત વધતો હોવાથી આ યુપીઆઈ ચાર્જ ત્વરિત બંધ કરવો જોઈએ, અન્યથા તેઓ યુપીઆઈથી પેમેન્ટ લેવાનું બંધ કરી દેશે. આ વિરોધના પગલે હવે દિલ્હીમાં રિટેલ વ્યાપારીઓ દ્વારા 'નો યુપીઆઈ' ના પોસ્ટરો પણ લગાવી દેવામાં આવ્યા છે.
ડિજિટલ પેમેન્ટ અને અર્થતંત્ર
નાણાકીય લેણદેણ અને ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપતી વખતે વ્યાપારી વર્ગના નાના માર્જિન અને ટેક્સ માળખાનું યોગ્ય સંતુલન જાળવવું એ અર્થતંત્રની સ્થિરતા માટે અનિવાર્ય છે.