ભારતમાં ચોમાસાની વિદાય પહેલા જ ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં વહેલી હિમવર્ષા શરૂ
-
ગુરેજના ઊંચા પહાડી ભાગોમાં હિમવર્ષા થવાથી પ્રવાસીઓ અને સ્થાનિકોમાં ઉત્સાહ
-
સમય કરતા વહેલા શરૂ થયેલા બરફવર્ષાના આક્રમણથી આગામી શિયાળાની તીવ્રતા વધવાના એંધાણ
-
ઉત્તરાખંડના ચમોલી સ્થિત પવિત્ર હેમકુંડ સાહિબ ખાતે પણ નોંધાઈ પ્રથમ હિમવર્ષા
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
ભારતમાં હજુ સુધી નૈઋત્ય ચોમાસાની સત્તાવાર વિદાય થઈ નથી, ત્યાં જ ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં અસામાન્ય રીતે વહેલી હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. જમ્મુ અને કાશ્મીરના પ્રખ્યાત પ્રવાસન સ્થળ ગુલમર્ગ તેમજ ગુરેજના ઊંચા પહાડી ભાગોમાં સુંદર બરફની ચાદર છવાઈ ગઈ છે. આ જ રીતે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલા પવિત્ર હેમકુંડ સાહિબ ખાતે પણ આ સિઝનની પ્રથમ હિમવર્ષા નોંધાઈ છે. આ સાથે જ હિમાચલ પ્રદેશના રોહતાંગ અને મનાલી જેવા પર્વતીય વિસ્તારો પણ બરફવર્ષાથી સુંદર રીતે ઢંકાયેલા નજરે પડ્યા છે.
વર્તમાન સમયમાં કલાઈમેટ ચેન્જ અને અલ નીનો જેવી અસામાન્ય હવામાન ઘટનાઓ વચ્ચે પર્વતીય રાજ્યોમાં આ પ્રકારે વહેલી હિમવર્ષા થવી એ હવામાન વૈજ્ઞાનિકો માટે પણ આશ્ચર્યનો વિષય બન્યો છે. સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન ચોમાસાનો માહોલ રહેતો હોય છે, પરંતુ વૈશ્વિક આબોહવા પરિવર્તનની સીધી અસરોને કારણે કુદરતી ચક્રમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. વહેલી હિમવર્ષાના કારણે પહાડી વિસ્તારોમાં ઠંડીનું જોર અચાનક વધી ગયું છે અને આગામી શિયાળો વધુ આકરો રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
આબોહવા પરિવર્તન અને પ્રકૃતિ
વૈશ્વિક તાપમાન અને આબોહવાકીય અસમતુલાના કારણે ઋતુચક્રમાં આવતા આવા અણધાર્યા ફેરફારો પર્યાવરણ અને માનવજીવન બંને માટે ગંભીર ચિંતાનો વિષય બનતા જાય છે.