ભારતીય રેલવેની મોટી ડિજિટલ પહેલ: ટ્રેનમાં ખાલી થતી બર્થ હવે ઓટોમેટીક ફાળવવામાં આવશે
-
સ્ટેશન પર મુસાફર ન ચડે તો સીટ તરત અનબોર્ડેડ માર્ક થઈ સર્વર પર અપડેટ થશે
-
ફોર-જી કનેક્ટિવિટી, બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ સ્કેનર અને ૧૨ કલાકના બેટરી બેકઅપથી સજ્જ ઉપકરણો
-
ટીએફઈ દ્વારા સમયસર બર્થ અપડેટ ન કરાય તો મુસાફરો ૧૩૯ પર સીધી ફરિયાદ કરી શકશે
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
ભારતીય રેલવે દ્વારા એક અત્યાધુનિક ડિજિટલ ક્રાંતિની શરૂઆત કરવામાં આવી છે, જેના અંતર્ગત ટ્રેનમાં કોઈપણ બર્થ ખાલી થતા જ સિસ્ટમ ઓટોમેટીક નિયમ અનુસાર આરએસી અથવા વેઇટિંગ લિસ્ટના મુસાફરોને તે બર્થ ફાળવી દેશે. આ નવી અને પારદર્શક વ્યવસ્થા લાગુ થવાથી ટિકિટ એક્ઝામિનર (TTE) ની દખલગીરી સંપૂર્ણપણે ખતમ થઈ જશે. રેલવે બોર્ડના અધિકારીઓએ જણાવ્યું છે કે હવે રેલ મુસાફરો સ્વયં પોતાના મોબાઈલ પર 'રેલ મદદ' કે 'આઈઆરસીટીસી' (IRCTC) એપના માધ્યમથી લાઈવ જોઈ શકશે કે સફર દરમિયાન કયા સ્ટેશને કયા કોચમાં કેટલી સીટો ખાલી છે.
આ વ્યવસ્થાને અમલમાં મૂકવા માટે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવી રહ્યો છે, જેમાં ટીએફઈના હેન્ડહેલ્ડ ટર્મિનલ્સ (HHT) ને રિયલ-ટાઇમ બાયોમેટ્રિક સિન્ક અને જીપીએસ ટ્રેકિંગ સાથે જોડવામાં આવ્યા છે. આ નવી એચએચટી ડિવાઈસમાં 4G કનેક્ટિવિટી, રિયલ-ટાઇમ ડેટા સિન્ક, પાંચ મીટર સુધીની ચોક્કસ જીપીએસ લોકેશન ટ્રેકિંગ, ટીએફઈની ડિજિટલ ઉપસ્થિતિ માટે બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ સ્કેનર, 12 કલાકનું બેટરી બેકઅપ તેમજ વોટરપ્રૂફ અને ડસ્ટપ્રૂફ ડિઝાઇન જેવી આધુનિક સુવિધાઓ સામેલ કરવામાં આવી છે.
આ સિસ્ટમની સૌથી મોટી વિશેષતા એ છે કે રસ્તામાં આવતા કોઈપણ સ્ટેશન પર જો કોઈ મુસાફર ટ્રેનમાં ચડે નહીં, તો ટીએફઈ તરત જ તે સીટને એચએચટી પર 'અનબોર્ડેડ' માર્ક કરી દેશે. આ માહિતી તરત જ રેલવેના કેન્દ્રીય કોમ્પ્યુટર સર્વર સુધી પહોંચી જશે અને સિસ્ટમ આપોઆપ આરએસી અથવા વેઇટિંગ યાદીમાં સૌથી ઉપરના મુસાફરને તે બર્થ એલોટ કરી દેશે. આનાથી વચેટિયાઓ કે ભ્રષ્ટાચારને કોઈ અવકાશ રહેશે નહીં.
જો કોઈ કિસ્સામાં ટીએફઈ ચેકિંગ માટે ઉપસ્થિત ન રહે અથવા ખાલી બર્થ ડિવાઈસ પર માર્ક ન કરે, તો મુસાફરો સીધા 'રેલ મદદ' એપ કે 139 નંબર પર પોતાની ફરિયાદ નોંધાવી શકશે, અને જીપીએસ ડેટાના આધારે ત્વરિત કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત, ટીએફઈને ખાસ સ્માર્ટ જેકેટ અને કેમેરા આપવામાં આવશે. જો સફર દરમિયાન કોઈ મુસાફરની તબિયત અચાનક બગડે, તો ટીએફઈ તરત જ સ્માર્ટ જેકેટ અને કેમેરાની મદદથી SOS બટન દબાવીને નજીકના કંટ્રોલ રૂમ કે આગળના સ્ટેશન માસ્ટરને ઈમરજન્સી એલર્ટ મોકલી શકશે.
રેલવે મુસાફરી અને ડિજિટલ સેવાઓ
સરકારી પરિવહન સેવામાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાથી નાગરિકોને પારદર્શક, સરળ અને ભ્રષ્ટાચારમુક્ત સુવિધાઓ ઉપલબ્ધ બને છે, જે દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.