જૂના ફાસ્ટેગને જ બીજી બેંક સાથે લિંક કરવાની સુવિધા, વિન્ડસ્ક્રીન બદલવાની જરૂર નહીં
-
રાજમાર્ગ યાત્રા એપમાં વાહનનો રજીસ્ટ્રેશન નંબર નાખી પાત્રતા ચકાસી શકાશે
-
વર્તમાન બેંકમાંથી ૬ આંકડાનો મોબાઈલ વેરિફિકેશન કોડ (MVC) મેળવવાની રહેશે પ્રક્રિયા
-
વેરિફિકેશન પૂરું થયા બાદ ગ્રાહકો પોતાની પસંદગીની નવી બેંક સાથે જોડાણ કરી શકશે
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
વાહન માલિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે, જેમાં હવે નવું ફાસ્ટેગ ખરીદ્યા વિના તેની સાથે સંકળાયેલી બેંક બદલી શકાશે. ભારતીય નેશનલ હાઈ-વે ઓથોરિટી (NHAI) દ્વારા ફાસ્ટેગ બેંક બદલવાની નવી 'વન ટેગ' સુવિધા ગુરુવારે 'રાજમાર્ગ યાત્રા' એપ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ નવી વ્યવસ્થા અંતર્ગત વાહન પર અગાઉથી જ લાગેલા ફાસ્ટેગનો ઉપયોગ હવે સરળતાથી બીજી બેંક સાથે થઈ શકશે, જેથી વાહન માલિકોને વારંવાર નવું ટેગ ખરીદવાની કે બદલવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે.
આ સુવિધાનો લાભ લેવા માટે વાહન માલિકે રાજમાર્ગ યાત્રા એપમાં લોગિન કરીને પોતાના વાહનનો રજીસ્ટ્રેશન નંબર દાખલ કરવો પડશે, જેનાથી ફાસ્ટેગ બેંક બદલવાને પાત્ર છે કે નહીં તેની ચકાસણી થઈ જશે. પાત્ર થવાની સ્થિતિમાં હાલની બેંક તરફથી ૬ આંકડાનો મોબાઈલ વેરિફિકેશન કોડ (MVC) પ્રાપ્ત થશે. વેરિફિકેશન પ્રક્રિયા પૂરી થયા બાદ વાહન માલિક પોતાની મનપસંદ નવી બેંક પસંદ કરી શકશે અને ત્યારબાદ નવી બેંક સાથે ગ્રાહક વેરિફિકેશન તેમજ ફાસ્ટેગ ખાતું શરૂ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
આ પ્રક્રિયામાં કેટલીક મહત્વપૂર્ણ શરતો પણ રાખવામાં આવી છે, જેમ કે એકવાર બેંક બદલ્યા બાદ તે ફાસ્ટેગને ફરીથી અન્ય કોઈ બેંકમાં પોર્ટ કરવા માટે ૬ મહિનાનું અંતર રાખવું અનિવાર્ય રહેશે, અર્થાત્ બેંક બદલ્યા બાદ આગામી ૬ મહિના સુધી ફરીથી પોર્ટેબિલિટીની સુવિધા મળશે નહીં. આ સુવિધાના કારણે સૌથી મોટો ફાયદો એ થશે કે બેંક બદલ્યા બાદ વાહનની વિન્ડસ્ક્રીન પર લાગેલો જૂનો ફાસ્ટેગ બદલવો પડશે નહીં અને તેની મૂળ ઓળખ તેમજ સંખ્યા તેમજ જ રહેશે.
ડિજિટલ પરિવહન અને સુવિધાઓ
સરકારી અને અર્ધસરકારી સ્તરે શરૂ કરવામાં આવતી આવી ટેકનોલોજી આધારિત સુવિધાઓ નાગરિકોના સમયની બચત કરે છે અને પરિવહન વ્યવસ્થાને વધુ સરળ તથા સુગમ બનાવે છે.