Loading Please Wait !!!
પ્રથમ પૂજનીય દેવ ગજાનન ગણેશજીના 'એદંકત' બનવા પાછળની રોચક પૌરાણિક કથાઓ

 

  • મહાભારત ગ્રંથ અવિરત લખવા માટે ગણેશજીએ લેખની તરીકે કર્યો હતો દાંતનો ઉપયોગ

  • કોઈ શસ્ત્રથી ન મરવાના વરદાનવાળા ગજમુખાસુરનો વધ કરવા માટે ઉઠાવ્યું હતું કડક પગલું

  • માતા પાર્વતી અને શિવજીના વિશ્રામ વખતે પરશુરામજી સાથે થયું હતું યુદ્ધ

સિટી ન્યુઝ @ વિશેષ અહેવાલ

ગજાનન શ્રીગણેશ એટલે કે તમામ કાર્યોમાં પ્રથમ પૂજનીય દેવ. લાંબી સૂંઢ, મોટા કાન, ઝીણી આંખો અને દુંદાળા સ્વરૂપ ધરાવતા ગણપતિ બાપ્પાને 'એકદંતા' તરીકે પણ વિશેષ ઓળખવામાં આવે છે. લોકમુખે ચર્ચાતી અને પુરાણોમાં વર્ણવિત કથાઓ અનુસાર ગણેશજીના એકદંત બનવા પાછળની મુખ્ય ત્રણ રોચક કથાઓ પ્રચલિત છે, જે તેમના અદ્ભુત સમર્પણ અને પરાક્રમને દર્શાવે છે.

પ્રથમ કથા મહર્ષિ વેદ વ્યાસ દ્વારા રચિત મહાકાવ્ય 'મહાભારત' સાથે જોડાયેલી છે. જ્યારે વેદ વ્યાસ મહાભારતની રચના કરી રહ્યા હતા ત્યારે તેમને એક એવા લખનારની જરૂર હતી જે અવિરત લખ્યા કરે અને વાણીને રોકવી ન પડે. ત્યારે રિદ્ધિ-સિદ્ધિના દાતા સ્વયં શ્રીગણેશે મહાભારત લખવાની શરત સાથે શરૂઆત કરી હતી અને લેખન કાર્ય દરમિયાન જ્યારે તેમની લેખની તૂટી ગઈ, ત્યારે ગણેશજીએ પોતાનો એક દાંત તોડીને તેની જ લેખની બનાવી દીધી હોવાની લોકપ્રિય માન્યતા છે.

બીજી કથા ગજમુખાસુર નામના અસુર સાથે જોડાયેલી છે. ગજમુખાસુરને વરદાન પ્રાપ્ત હતું કે તેનું સામાન્ય કોઈ શસ્ત્રથી મૃત્યુ નહીં થાય, જેના કારણે તે ઋષિઓ અને દેવતાઓને ખૂબ જ પરેશાન કરવા લાગ્યો હતો. સૌની રક્ષા માટે ગજાનન શ્રીગણેશે સ્વયંનો દાંત તોડી નાખ્યો અને તેનાથી જ ગજમુખાસુરનો વધ કરી સમગ્ર સૃષ્ટિને ભયમુક્ત કરી હતી.

ત્રીજી કથા 'ગણેશ પુરાણ'ના ચોથા સ્કંધના સાતમા અધ્યાયમાં વર્ણવિત છે. એકવાર દેવી પાર્વતી અને ભગવાન શિવ શયન કરી રહ્યા હતા ત્યારે ગણેશજી બહાર પહેરો આપી રહ્યા હતા. તે જ સમયે પરશુરામજી કૈલાસ પહોંચ્યા અને મહાદેવને મળવાની તીવ્ર ઉત્કંઠા પ્રગટ કરી. શિવ-પાર્વતી આરામમાં હોવાથી ગણેશજીએ તેમને મળતા અટકાવ્યા, જેનાથી ક્રોધિત થઈને પરશુરામજીએ યુદ્ધ શરૂ કર્યું. એવું કહેવાય છે કે યુદ્ધ દરમિયાન સ્વયં મહાદેવે આપેલા પરશુ (ફરસી) થી પરશુરામજીએ પ્રહાર કરતાં ગણેશજીનો દાંત તૂટી ગયો હતો અને ત્યારથી તેઓ 'એકદંત' કહેવાયા.

પૌરાણિક વારસા અને સંસ્કૃતિ

સનાતન ધર્મની પૌરાણિક કથાઓ માત્ર ધાર્મિક આસ્થા જ નહીં પરંતુ ધૈર્ય, બલિદાન અને ન્યાયના ઉચ્ચ આદર્શો પણ શીખવે છે, જે માનવ જીવન માટે પ્રેરણાદાયી છે.