વડોદરામાં ડ્રગ્સ કેસમાં ચર્ચામાં આવેલી તમન્ના સામે વધુ એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ
-
તાંદલજાના ઇન્ટીરીયર ડેકોરેશનના વેપારી મહંમદ કલીમ દ્વારા પોલીસ સ્ટેશનમાં કરાઈ ફરિયાદ
-
એપ્રિલ ૨૦૨૪માં છાણી વેદા-૨ ફ્લેટમાં શરૂ કરાવવામાં આવ્યું હતું ઇન્ટીરીયરનું કામ
-
વુડન ફર્નિચર, પીઓપી, ઇલેક્ટ્રિક વાયરિંગ અને ગ્રીલનું કામ કરાવ્યા બાદ પણ રકમ રોકી રાખી
સિટી ન્યુઝ @ વડોદરા
વડોદરામાં ડ્રગ્સના વેચાણના એડ્રેસ આપવા મામલે ચર્ચામાં આવેલી તમન્ના સામે વધુ એક ગંભીર ફરિયાદ નોંધાઈ છે. શહેરના છાણી વિસ્તારમાં આવેલા ફ્લેટનું ઇન્ટીરીયર વર્ક કરાવ્યા બાદ બાકી નીકળતા ૪.૫૦ લાખ રૂપિયા નહીં ચૂકવીને છેતરપિંડી કર્યાની ફરિયાદ તાંદલજાના એક ઇન્ટીરીયર ડેકોરેશનના વેપારી દ્વારા નોંધાવવામાં આવી છે. આ મામલે ફતેગંજ પોલીસે પતિ સોહેલ સૈયદ અને તેની પત્ની તમન્ના સૈયદ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ કાનૂની તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતા મહંમદ કલીમ મહંમદ શરીફ શેખ ઇન્ટીરીયર ડેકોરેશનનો વેપાર કરે છે. એપ્રિલ ૨૦૨૪માં તેમના પરિચિત સોહેલ સૈયદે છાણી વેદા-૨ માં પોતાના નવા ફ્લેટનું ઇન્ટીરીયર કામ કરાવવા માટે તેમને ફ્લેટ બતાવ્યો હતો. સોહેલ અને તેની પત્ની તમન્નાની પસંદગી મુજબ ઇન્ટીરીયર ડિઝાઇન, પી.ઓ.પી., ઇલેક્ટ્રિક વાયરિંગ, વુડન ફર્નિચર અને લોખંડની ગ્રીલ સહિતના કામનું ક્વોટેશન તૈયાર કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં ૭ લાખ રૂપિયાના ક્વોટેશનમાંથી મિત્રતાના સંબંધે ૬.૫૫ લાખ રૂપિયામાં કામ કરવાનું નક્કી થયું હતું. ત્યારબાદ દંપતીએ પડદા અને વુડન ફ્લોરિંગ સહિતનું વધારાનું કામ પણ કરાવ્યું હતું, જેની કિંમત ૨,૬૯,૯૪૫ રૂપિયા થઈ હતી, જેથી કુલ કામની કિંમત ૯,૨૪,૯૪૫ રૂપિયા પહોંચી હતી.
દંપતીએ શરૂઆતમાં ૨૫ હજાર રૂપિયા સહિત ટુકડે-ટુકડે રોકડ અને ગૂગલ-પે મારફતે કુલ ૪.૭૪ લાખ રૂપિયા ચૂકવ્યા હતા. જો કે, બાકીના ૪,૫૦,૯૪૫ રૂપિયાની વારંવાર માંગણી કરવા છતાં દંપતી ‘વિશ્વાસ રાખો, કામ પૂરું થાય તે પહેલાં આખી રકમ ચૂકવી દઈશું’ કહીને માત્ર સમય પસાર કરતું હતું. ત્યારબાદ જુલાઈ ૨૦૨૪માં ઇન્ટીરીયર અને વધારાનું તમામ કામ પૂર્ણ થઈ જવા છતાં બાકી રકમ ચૂકવવામાં આવી ન હતી. આ આખી ઘટના બાદ વેપારીએ સોહેલ સૈયદ અને તમન્ના સૈયદ સામે કાયદેસરની સખત કાર્યવાહી કરવાની માંગ સાથે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.
વેપાર અને કાનૂની બાબતો
વ્યવસાયિક લેણદેણ અને કરારોમાં સમયસર નાણાકીય ચૂકવણી ન કરવી એ કાયદાકીય ગુનો બને છે, જેનાથી વેપારીઓને આર્થિક નુકસાન અને માનસિક ત્રાસનો સામનો કરવો પડે છે.