Loading Please Wait !!!
મુસ્લિમ વસ્તી નિયંત્રણ માટે પ્રવીણ તોગડિયાની કાયદાની માંગ

 

  • મોરબીના શક્તિધામ મંદિરે સતવારા સમાજના કાર્યક્રમમાં આપી હાજરી

  • હનુમાન ચાલીસા કેન્દ્રો ભક્તિ અને શક્તિના સ્ત્રોત બનશે: તોગડિયા

  • ત્રીજા બાળકના જન્મ પર સરકારી યોજનાઓના લાભ અટકાવવા માંગણી

    સિટી ન્યુઝ @ મોરબી

મોરબીના શક્તિધામ મંદિરે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયાની વિશેષ ઉપસ્થિતિમાં એક ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં તેમણે હિન્દુ સમાજને એકતા જાળવવા અને વિવિધ વિસ્તારોમાં હનુમાન ચાલીસા કેન્દ્રો શરૂ કરવા પર વિશેષ ભાર મૂક્યો હતો.

મોરબીના પંચાસર રોડ પર આવેલા શક્તિધામ મંદિરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વાડી વિસ્તારના સતવારા સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રવીણ તોગડિયાએ સમાજમાં જાગૃતિ લાવવા માટે હનુમાન ચાલીસા કેન્દ્રો સ્થાપવાનું આહ્વાન કર્યું હતું. આ સાથે તેમણે દેશમાં વસ્તી સંતુલન જાળવી રાખવા માટે વસ્તી નિયંત્રણ અંગે નવો કાયદો બનાવવાની સરકારને અપીલ કરી હતી.

પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું કે આ કેન્દ્રો માત્ર ભક્તિ પૂરતા સીમિત ન રહેતાં સામાજિક શક્તિના સ્ત્રોત બનશે. દર શનિવારે રાત્રે લોકો અહીં એકત્રિત થશે અને સાથે મળીને સંગઠિત થશે. આ કેન્દ્રો મારફતે જરૂરિયાતમંદોને પ્રાથમિક આરોગ્ય સારવાર પણ મળી રહે તેવી વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.

દેશમાં વસ્તી વૃદ્ધિના સંદર્ભમાં તેમણે 'તીન બચ્ચા હિન્દુ સચ્ચા' નો નારો આપ્યો હતો અને કેન્દ્ર સરકાર પાસે કડક કાયદાકીય જોગવાઈઓની માંગ કરી હતી. તેમણે સૂચવ્યું કે વસ્તી નિયંત્રણ માટે બનાવેલા કાયદાનું પાલન ન કરનારાઓ સામે દંડાત્મક પગલાં લેવા જોઈએ.

તેમણે ઉમેર્યું હતું કે જો નિર્ધારિત મર્યાદા કરતાં વધુ બાળકો હોય, તો સરકારી અનાજ, સરકારી શાળાઓમાં પ્રવેશ, સરકારી તબીબી સુવિધાઓ અને બેંક લોન જેવા લાભો બંધ કરવા જોઈએ. તેમણે દાવો કર્યો હતો કે આવા કડક પગલાં લાગુ કરવાથી વસ્તી વૃદ્ધિની સમસ્યાનું અસરકારક નિરાકરણ લાવી શકાય છે.

વસ્તી નિયંત્રણ કાયદા માટે પ્રવીણ તોગડિયાની માંગ

મોરબીના શક્તિધામ મંદિરે આયોજિત કાર્યક્રમમાં પ્રવીણ તોગડિયાએ હિન્દુ સમાજને સંગઠિત કરવા ગામેગામ હનુમાન ચાલીસા કેન્દ્રો સ્થાપવા અપીલ કરી હતી. તેમણે વસ્તી નિયંત્રણ માટે કડક કાયદો બનાવવાની માંગ કરી હતી અને નિયમભંગ કરનારાઓને સરકારી અનાજ, તબીબી સારવાર, શાળા પ્રવેશ તથા બેંક લોન જેવી સરકારી સુવિધાઓથી વંચિત રાખવા સૂચન કર્યું હતું.