Loading Please Wait !!!
ભાવનગર મનપામાં જન્મ-મરણના દાખલા માટે ધાંધિયા, અરજદારો ખાવા પડી રહ્યા છે ધક્કા

  • ઓનલાઈન ફરિયાદમાં ખોટો જવાબ આપી અરજીનો નિકાલ કર્યાનો આક્ષેપ; તંત્રની કામગીરી સામે રોષ
  • ગણેશનગરના અરજદારે લેખિત રજૂઆત કરી ખોટી વિગતો આપનારા કર્મચારીઓ સામે માંગી કાર્યવાહી
  • ‘બે દાખલા લઈ જાવ, બે પછી મળશે’ કહી ફોન પર વાયદા; ઓનલાઈન પોર્ટલ પર ખોટા નિકાલનો ખેલ

સિટી ન્યુઝ @ ભાવનગર

ભાવનગર મહાનગરપાલિકામાં જન્મ-મરણના દાખલા કઢાવવા માટે આવતા અરજદારોની હાલત કફોડી બની રહી છે. લાંબા સમયથી ચાલી રહેલી વહીવટી ઢીલને કારણે અરજદારોને કચેરીના અવારનવાર ધક્કા ખાવા પડી રહ્યા છે. તાજેતરમાં એક અરજદારે તંત્ર દ્વારા આપવામાં આવેલા ખોટા જવાબો અને ઓનલાઈન ફરિયાદના નિકાલની પદ્ધતિ સામે ગંભીર સવાલો ઉઠાવતા મનપામાં દોડધામ મચી ગઈ છે.

શહેરના ચિત્રા વિસ્તારના ગણેશનગરમાં રહેતા દેવેન્દ્રસિંહ ચુડાસમા નામના અરજદારે જન્મ-મરણના દાખલા સમયસર ન મળતા ઓનલાઈન ફરિયાદ કરી હતી. આ ફરિયાદના પ્રત્યુત્તરમાં મહાપાલિકાના સંબંધિત વિભાગે એવો જવાબ આપ્યો હતો કે, અરજદારને રૂબરૂ બોલાવી તેમની જરૂરિયાત મુજબની અરજીનો સંતોષકારક નિકાલ કરવામાં આવ્યો છે. જોકે, અરજદારે આ વાતને તદ્દન ખોટી ગણાવીને તંત્ર પર ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ કર્યો છે.

અરજદારના જણાવ્યા અનુસાર, તેમને મહાપાલિકાની કચેરીએથી ફોન આવ્યો હતો કે તેમણે માંગેલા ચાર દાખલામાંથી માત્ર બે તૈયાર છે અને બાકીના બે દાખલામાં ત્રણ-ચાર દિવસનો સમય લાગશે. અરજદારે સ્પષ્ટ કર્યું હતું કે ચારેય દાખલા સાથે તૈયાર થાય ત્યારે તેઓ લેવા આવશે. આમ છતાં, ઓનલાઈન સિસ્ટમમાં અરજદારને રૂબરૂ મળીને કામ પૂરું કરી દીધું હોવાનો ખોટો જવાબ અપાયો છે.

મહાપાલિકામાં જન્મ-મરણના દાખલા મેળવવા માટે દરરોજ અરજદારોની લાંબી કતારો જોવા મળે છે. વહીવટી તંત્રની ધીમી ગતિને કારણે લોકોના જરૂરી કામો અટકી રહ્યા છે. આ પરિસ્થિતિમાં જ્યારે અરજદારો ફરિયાદ કરે છે, ત્યારે તેનો યોગ્ય નિકાલ કરવાને બદલે કાગળ પર કામગીરી પૂર્ણ બતાવી દેવાની વૃત્તિ સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

દેવેન્દ્રસિંહ ચુડાસમાએ હવે આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે અને માંગણી કરી છે કે તેમની ઓનલાઈન ફરિયાદ ફરીથી રી-ઓપન કરવામાં આવે. સાથે જ, જે અધિકારી કે કર્મચારીએ ઓનલાઈન સિસ્ટમમાં ખોટો જવાબ આપીને અરજીનો નિકાલ બતાવ્યો છે, તેમની સામે કડક શિસ્તભંગના પગલાં લેવામાં આવે જેથી ભવિષ્યમાં અન્ય અરજદારો સાથે આવો અન્યાય ન થાય.