Loading Please Wait !!!
વડોદરાના કોર્પોરેટર આશિષ જોશીની ધરપકડ, દારૂના જૂના કેસમાં રામોલ પોલીસે દબોચ્યા

  • સંખેડા પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં કાર્યવાહી; અમદાવાદમાં વોચ ગોઠવીને કરાઈ અટકાયત
  • ‘બદલાની ભાવનાથી કરાયેલું ષડયંત્ર’; બુટલેગરના નિવેદન પર ધરપકડ સામે ઉઠ્યા સવાલ
  • ભાજપના ગઢમાં જીત મેળવનારા કોર્પોરેટરને ખોટા કેસમાં ફસાવ્યાનો દાવો; કાયદાકીય લડતની ચીમકી

સિટી ન્યુઝ @ અમદાવાદ 

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 15 ના કોંગ્રેસના કોર્પોરેટર આશિષ જોશીની અમદાવાદની રામોલ પોલીસે ધરપકડ કરી છે. આ કાર્યવાહી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન સંખેડા પોલીસ મથકે નોંધાયેલા દારૂના એક જૂના કેસના સંદર્ભમાં કરવામાં આવી છે. આ ધરપકડને પગલે વડોદરા અને અમદાવાદના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે અને ભાજપ-કોંગ્રેસ સામસામે આવી ગયા છે.

મળતી માહિતી મુજબ, સંખેડા પોલીસ મથકે નોંધાયેલા પ્રોહિબિશનના એક કેસમાં તપાસ દરમિયાન પકડાયેલા આરોપીઓએ આશિષ જોશીનું નામ આપ્યું હતું. રામોલ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને લોકેશનના આધારે અમદાવાદમાં વોચ ગોઠવી હતી. આશિષ જોશી જ્યારે અમદાવાદમાં તેમના સંબંધીને ત્યાં જઈ રહ્યા હતા ત્યારે જ પોલીસે તેમને આંતરીને અટકાયત કરી હતી. પ્રાથમિક પૂછપરછ બાદ તેમને વધુ કાર્યવાહી માટે સંખેડા પોલીસને સોંપવામાં આવ્યા છે.

આ ધરપકડ મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ રાવલે ભાજપ સરકાર અને પોલીસ તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આ કાર્યવાહીને રાજકીય ષડયંત્ર ગણાવતા કહ્યું કે, આશિષ જોશીએ ભાજપના ધારાસભ્યના ગઢમાં જનતાના પ્રેમથી જીત મેળવી હતી. તેઓ સતત ભ્રષ્ટાચાર અને હરણીકાંડના પીડિતોને ન્યાય અપાવવા માટે અવાજ ઉઠાવતા હતા, જેના કારણે તેમને સત્તાધારી પક્ષ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે.

કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે માત્ર એક બુટલેગરના નિવેદન પર કોઈ મોટા ગુનેગારની જેમ કોર્પોરેટરની ધરપકડ કરવી તે લોકશાહીની મર્યાદા બહાર છે. હેમાંગ રાવલે વેધક સવાલ કર્યો હતો કે જો કોઈ બુટલેગર ભાજપના મંત્રીનું નામ આપે તો શું પોલીસ આવી જ તત્પરતા બતાવશે? તેમણે વધુમાં જણાવ્યું કે 300 કિમીનો પ્રવાસ ખેડીને દારૂ ગુજરાતની સરહદમાં કઈ રીતે પ્રવેશ્યો તેની તપાસ કરવાને બદલે જનપ્રતિનિધિને હેરાન કરવામાં આવી રહ્યા છે.

હાલમાં આશિષ જોશીની ધરપકડથી વડોદરા કોર્પોરેશનના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસે આગામી દિવસોમાં આ મામલે કાયદાકીય લડત આપવાની અને ભાજપ સરકારના કથિત કાવતરાને ખુલ્લું પાડવાની ચીમકી ઉચ્ચારી છે. બીજી તરફ, પોલીસ સૂત્રોનું કહેવું છે કે આ કાર્યવાહી સંપૂર્ણપણે પુરાવા અને કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે જ કરવામાં આવી છે.