Loading Please Wait !!!
ચેક રિટર્ન કેસમાં ભાવનગરના શખ્સની અપીલ ફગાવાઈ, સુરત કોર્ટે જેલની સજા યથાવત રાખી

  • ચેક પર સહી હોય તો જવાબદારીમાંથી છટકી શકાય નહીં; 1 વર્ષની કેદનો આદેશ યથાવત
  • સેશન્સ કોર્ટે જામીન રદ કરી ધરપકડનો આપ્યો આદેશ; ઉચાપતની રકમ પેટે આપ્યો હતો ચેક
  • ટ્રાયલ કોર્ટના સજાના હુકમ સામેની અપીલ રદ; ફરિયાદીને વળતર ચૂકવવા પણ હુકમ

સિટી ન્યુઝ @ સુરત

સુરતની સેશન્સ કોર્ટે રૂ. 4.71 લાખના ચેક રિટર્ન કેસમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા ભાવનગરના આરોપીની અપીલને ફગાવી દીધી છે. કોર્ટે નીચલી અદાલત દ્વારા સંભળાવવામાં આવેલી એક વર્ષની સાદી કેદની સજા અને વળતર ચૂકવવાના આદેશને યથાવત રાખ્યો છે. આ ચુકાદા સાથે જ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો ચેક પર સહી હોય તો આરોપી પોતાની કાયદેસરની જવાબદારીમાંથી છટકી શકે નહીં.

કેસની વિગત મુજબ, સુરતના પાલ અડાજણ વિસ્તારમાં 'અખિલ નટરાજ ટ્રાવેલ્સ' ધરાવતા રાધેશ્યામ દિનેશચંદ્ર ત્રિવેદીની ઓફિસમાં ભાવનગરના મોણપર ગામનો હિરેન યોગેશભાઈ મહેતા ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતો હતો. વર્ષ 2019માં હિરેને બુકિંગ કલેક્શનની રૂ. 4,71,000ની રકમમાં ઉચાપત કરી અંગત કામમાં વાપરી નાખી હતી. આ નાણાં પરત કરવાની ખાતરી આપી તેણે રાધેશ્યામભાઈને ચેક આપ્યો હતો.

હિરેને આપેલો આ ચેક બેંકમાં જમા કરાવતા અપૂરતા ભંડોળના કારણે રિટર્ન થયો હતો. આથી ફરિયાદીએ એડવોકેટ અશ્વિન જોગડિયા મારફતે કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. વર્ષ 2024માં ટ્રાયલ કોર્ટે પુરાવાઓને આધારે આરોપી હિરેનને દોષિત ઠેરવી 1 વર્ષની સજા ફટકારી હતી. આ હુકમ સામે આરોપીએ સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી અને જામીન મેળવ્યા હતા.

સેશન્સ કોર્ટમાં સુનાવણી દરમિયાન ફરિયાદીના વકીલે દલીલ કરી હતી કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-20 મુજબ ચેક પર સહી હોવી એ જ પૂરતો પુરાવો છે કે તે કાયદેસરની જવાબદારી પેટે આપવામાં આવ્યો હતો. કોર્ટે આ દલીલોને ગ્રાહ્ય રાખી હતી અને અવલોકન કર્યું હતું કે આરોપીએ નાણાંની ઉચાપત કરી હોવાનું સ્પષ્ટ જણાય છે, તેથી નીચલી કોર્ટનો સજાનો આદેશ યોગ્ય છે.

સુરત સેશન્સ કોર્ટે આરોપીની અપીલ ફગાવીને તેના જામીન રદ કર્યા છે અને તાત્કાલિક ધરપકડ કરી જેલ મોકલવા આદેશ કર્યો છે. આ ઉપરાંત કોર્ટે હુકમ કર્યો છે કે જો આરોપીએ અપીલ દરમિયાન કોર્ટમાં 20% જેટલી કોઈ રકમ જમા કરાવી હોય, તો તે ફરિયાદીને ચૂકવી દેવામાં આવે. આ ચુકાદાથી ચેક રિટર્ન કેસના ફરિયાદીઓને ન્યાયિક બળ મળ્યું છે.