Loading Please Wait !!!
વડોદરામાં 4.92 કરોડની ઠગાઈનો મામલો, રાધે ફાઈનાન્સનો મૂળ સંચાલક ઝડપાયો

  • સસ્તું સોનું અને 10 કરોડની લોનની લાલચ આપી કર્ણાટકના વેપારીને લૂંટ્યો; ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી
  • નકલી પોલીસ ઉભી કરી વેપારીને ડરાવ્યો હતો; મુખ્ય સૂત્રધાર ઇલિયાસ બાદ વધુ એક ધરપકડ
  • 3 કિલો સોનાની ડિલિવરીના નામે ખેલ ખેલાયો; છેતરપિંડીના નેટવર્કનો પર્દાફાશ કરતી વડોદરા પોલીસ

સિટી ન્યુઝ @ વડોદરા

વડોદરા શહેરમાં સસ્તું સોનું આપવાના અને કરોડોની લોન અપાવવાના બહાને કર્ણાટકના વેપારી સાથે રૂ. 4.92 કરોડની છેતરપિંડી આચરવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. આ ચકચારી કિસ્સામાં રાધે ફાઇનાન્સના મૂળ સંચાલક અલ્પેશ દિલીપરાવ ચીખલેની વડોદરા રેલવે સ્ટેશન નજીકથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ધરપકડથી આ આંતરરાજ્ય છેતરપિંડીના નેટવર્કમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.

ઘટનાની વિગત મુજબ, કર્ણાટકના મંજૂ રવિ નામના વેપારીને વડોદરાની આ ઠગ ટોળકીએ સસ્તું સોનું અને રૂ. 10 કરોડની લોન અપાવવાની લાલચ આપી હતી. આ બહાને વેપારીને વારંવાર વડોદરા બોલાવવામાં આવ્યો હતો અને ટોળકીના સભ્યો પોતે કર્ણાટક જઈને પણ વેપારી પાસેથી ટુકડે-ટુકડે રૂ. 4.92 કરોડ પડાવી લીધા હતા. છેતરપિંડીના આ ખેલમાં ટોળકીએ હદ તો ત્યારે કરી જ્યારે 3 કિલો સોનાની ડિલિવરી સમયે નકલી પોલીસ બોલાવી વેપારીને ડરાવી-ધમકાવીને ભગાડી દીધો હતો.

આ અગાઉ પાંચ દિવસ પહેલા જ ક્રાઇમ બ્રાન્ચે ગેંડા સર્કલ પાસે આવેલા એટલાન્ટિસ બિલ્ડિંગમાંથી રાધે ફાઇનાન્સના સંચાલક તરીકે ઓળખ આપનાર મુખ્ય સૂત્રધાર ઇલિયાસ અજમેરી ઉર્ફે રાજવીરને ઝડપી પાડ્યો હતો. ઇલિયાસની પૂછપરછમાં અને ટેકનિકલ તપાસમાં સામે આવ્યું હતું કે આ સમગ્ર કૌભાંડમાં રાધે ફાઇનાન્સના મૂળ સંચાલકની પણ મોટી ભૂમિકા હતી.

ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ સંજય ગામેતીના જણાવ્યા અનુસાર, તપાસ દરમિયાન માહિતી મળી હતી કે રાધે ફાઇનાન્સનો મૂળ સંચાલક અલ્પેશ દિલીપરાવ ચીખલે (રહે. નારાયણ કોમ્પ્લેક્સ, કારેલીબાગ) છે. આ ગુનામાં મુખ્ય આરોપીઓને ઓફિસની સુવિધા પૂરી પાડવા અને ગુનાહિત કાવતરામાં મદદગારી કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી છે.

વડોદરા પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ટોળકીએ અગાઉ અન્ય કેટલા વેપારીઓને નિશાન બનાવ્યા છે. આરોપી અલ્પેશ ચીખલેની પૂછપરછમાં આ કૌભાંડના અન્ય સભ્યો અને તેમાં સામેલ વગદાર લોકોના નામ સામે આવી શકે છે. વેપારી પાસેથી પડાવેલી રકમ ક્યાં રોકવામાં આવી છે અને નકલી પોલીસ બનનારા શખ્સો કોણ હતા, તે દિશામાં પણ તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે.